ઘારાસભ્યો 11હજાર બહેનોનો વિમો ભરશે

ગુરુવાર, 13 ઑગસ્ટ 2015 (15:08 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 રૂપીયામાં એક વર્ષના સુરક્ષા વીમાની યોજના શરૂ કરવામાં આવી હતી. આ અંગે દેશમાં સારો પ્રતિસાદ પણ સાંપડ્યો છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ભાજપના તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવીને તેમનો સુરક્ષા વીમો લેવાનો આદેશ કર્યો છે.

હિન્દું ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધનનો તહેવાર એક તરફ આવી રહ્યો છે એને બીજી તરફ રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડીયું મનાવાઇ રહ્યુ છે. આ સમન્વયમાં રાજ્યના મહિલા મુખ્યપ્રધાન આનદીબેન પટેલે ભાજપના ધારાસભ્યોને રક્ષાબંધન પર પોતાના મતવિસ્તારની 11 હજાર બહેનોનું વીમા પ્રિમીયમ ભરવાનો નિર્ણય લીધો છે.
ભાજપના ધારાસભ્યો સાથે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે વિધાનસભામાં બેઠક કરી હતી. આ બેઠકમાં વિધાનસભાના દરેક મતવિસ્તારમાં ભાજપના ધારાસભ્યો 11 હજાર બહેનો પાસે રાખડી બંધાવીને તેના બદલામાં તેમના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના 12 રૂપીયા લેખે 11 હજાર બહેનોના પ્રિમીયમ ભરપાઇ કરશે. આ રીતે ચૂંટણીલક્ષી વેતરણ કરીને બહેનોને સાંકળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને બીજી તરફ ભાજપની સૌથી મોટી વોંટબેંક ગણાતી પાટીદાર સમાજ અનામતના મુદ્દે સરકાર સામે તલવારો તાણી રહી છે. મુખ્યપ્રધાન આનંદીબેનના નેતૃત્વની પણ કસોટી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થવાની છે ત્યારે, મુખ્યપ્રધાનની પ્રતિષ્ઠા પણ આ ચૂંટણીમાં દાવ પર લાગવાની છે.

રક્ષાબંધન પર બહેનો પાસે રાખડી બંધાવની ને તેમનો પ્રધાનમંત્રી સુરક્ષા વીમાનું પ્રિમીયમ ભરવાના કારણે મહિલાઓ અને ખાસ કરીને ગ્રામ્ય સમાજમાં આ વીમા યોજના અંગે જાગૃતિ આવશે અને આગામી ચૂંટણીનું કેમ્પેઇન પણ શરૂ કરી શકાશે.
ભાજપના મિડીયા સેલના કન્વીનર હર્ષદ પટેલે સાથેની વાતચીતમાં  11 હજાર બહેનોને ધારાસભ્યો પ્રધાનમંત્રી સુરક્ષા વીમાનું પ્રિમીયમ ભરવાની વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, ભાજપનો દરેક ધારાસભ્ય પોતાના મતવિસ્તારની 11 હજાર મહિલાઓના વાર્ષિક 12 રૂપીયા લેખે 1,32,000 રકમ વીમાના પ્રિમીયમ તરીકે ભરશે. ભાજપનો દરેક ધારાસભ્ય આ રીતે પોતાના મતવિસ્તારમાં કાર્યક્રમ કરશે તેમ જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો