ગુજરાતમાં સરકારી નોકરીઓની જાહેરાત અન્ય રાજ્યમાં છપાય છે

ગુરુવાર, 30 મે 2013 (12:29 IST)
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું દરેક ભાષણ ''મારા ગુજરાતની છ કરોડ પ્રજા'' માટે અને પ્રજાને આગળ કરીને સાંભળવા મળે છે. પરંતુ ગુજરાતમાં ગુજરાતીઓ માટે કોઇ સ્થાન નથી. સરકારની કમાઉ દીકરા જેવા નિગમો અને બોર્ડમાં ઊંચા પગારવાળી નોકરી ગુજરાતીઓને મળે જ નહીં તેનું ધ્યાન રાખવામાં આવે છે.

થોડા સમય પહેલા જ ભરૃચ ખાતેના GNFC એ ક્લાસ વન અને ક્લાસ ૩ અધિકારીઓની ભરતી માટેની જાહેરખબરો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસાના વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરાવી હતી. પરંતુ ગુજરાતમાં ભરતી અંગે શિક્ષિત યુવાનોને અંધારામાં રાખવા જાહેરખબર આપવામાં આવી ન હતી. ગુજરાતમાં આવતા મોટા ઉદ્યોગો ૮૦ ટકા ગુજરાતીઓને નોકરી રાખવાના નિયમનું પાલન કરતાં નથી. ટાટા નેનો ગુજરાતમાં લાવતા પહેલા આ નિયમનું પાલન નહીં કરીએ એવું સ્પષ્ટ કહી દીધું હતું. ઉદ્યોગપતિઓ નિયમનો અમલ નથી કરતા તેનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો હોય છે. પરંતુ ગુજરાત સરકારના જ બોર્ડ - નિગમો ગુજરાતીઓને સારી નોકરી ન આપવાની માનસિકતા ધરાવે છે. બોર્ડ - નિગમમાં ચેરમેન - એમ.ડી. ગુજરાત સરકારના આઇ.એ.એસ. અધિકારીઓ હોય છે. અધિકારી જે રાજ્યના હોય તે રાજ્યમાંથી પોતાના માણસોને સમૃધ્ધ ગુજરાતમાં સેટલ કરવા રસ્તા શોધી કાઢતાં હોય છે. પ્રથમ તો જેમને સેટ કરવાના હોય તેમની લાયકાત મુજબની પોસ્ટ માટે ભરતી કરવાનું આયોજન કરવામાં આવે છે. ભારતીના નિયમો પણ આ ઉમેદવારની લાયકાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. GNFC માં પણ ઉચ્ચ અને ટેકનિકલ અધિકારી કક્ષાની જગ્યાઓ માટે બિહાર - ઓરિસ્સાના વર્તમાન પત્રોમાં જાહેરખબરો છપાવવામાં આવી. પરંતુ જ્યારે જાહેરખબરના અનુસંધાને ભરતી પ્રક્રિયા શરૃ થઇ ત્યારે ગુજરાતી સ્ટાફને જાણ થઇ કે ગુજરાતમાં આવી કોઇ જાહેરખબર પ્રસિધ્ધ થઇ જ નથી. આખરે કર્મચારી મંડળે ઉગ્ર વિરોધ કરતાં એક નાનકડી જાહેરખબર ગુજરાતમાં પણ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

આ જ પ્રકારે ભૂતકાળમાં પ્રાધ્યાપકોની ભરતીમાં પણ થયું હતું. તેમાં ગુજરાત ઉપરાંત અન્ય ત્રણ-ચાર રાજ્યોમાં આવી જાહેરખબર પ્રસિધ્ધ કરવામાં આવી હતી અને ૮૦થી વધુ પ્રાધ્યાપકો બહારના રાજ્યોમાંથી આવીનો નોકરી મેળવી શક્યા હતા.
GMDC એ જ્યારે પાવર હાઉસનું કામ શરૃ કર્યું ત્યારે પણ આવો જ વિવાદ ઊભો થયો હતો. ટેકનિકલ સ્ટાફના નામે ગુજરાતના યુવાનોને સતત અન્યાય ગુજરાત સરકાર દ્વારા જ કરવામાં આવે છે. ગુજરાતમાં ખાનગી કોલેજો માટે લાલજાજમ બીછાવતી સરકાર ગુજરાતના યુવાનોને આગળ કરીને કહે છે કે ગુજરાતના યુવાનોને હવે બીજા રાજ્યમાં જવું નહીં પડે. પરંતુ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી અન્ય રાજ્યોના યુવાનોને જ આપવાની જ હોય તો ગુજરાતના યુવાનોએ કરેલા ઉચ્ચ અભ્યાસનો કોઇ અર્થ સરતો નથી.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમની સરકારના બોર્ડ-નિગમોની કામગીરી અને નોકરીની ભરતી બાબતે અજાણ હોય એવું માની શકાય નહીં.

વેબદુનિયા પર વાંચો