ઓખા - બેટ દ્વારકા વચ્ચે પુલ બનાવવાની વિચારણા

શનિવાર, 11 ઑક્ટોબર 2014 (14:55 IST)
ગુજરાતની માતા અને બાળકોની આરોગ્ય સુખાકારી માટે રાજ્યના પ્રત્યેક ઘરમાં શૌચાલય બને તે માટે લોકોને ઘર-ઘર શૌચાલય અભિયાનના સારથી બનવા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે આહ્વાન કર્યું હતું. પવિત્ર ધરા દ્વારકાની મુલાકાત દરમિયાન તેમણે મૂળ દ્વારકા સુધી અત્યારે માત્ર હોડીમાં જ જઇ શકાય છે ત્યારે હવે મોટર માર્ગે જઇ શકાય તે માટે ઓખા - બેટ દ્વારકા વચ્ચે પુલ બનાવવા માટે રાજ્ય સરકાર તમામ સહાય કરશે તેવી ખાતરી પણ ઉચ્ચારી હતી.

દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલા પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેલા આનંદીબેને વધુમાં જણાવ્યું હતુ કે અત્યાર સુધીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા સરકાર દ્વારા અપાયેલ સાધન - સહાય રૂપી ટેકાની સાથે પ્રત્યેક પરિવારે તેમના પુરૂષાર્થનો ઉમેરો કરી ગરીબીમાંથી બહાર નીકળવાના સાર્થક પ્રયાસો પણ કરવા પડશે. રાજય સરકારે જયારે મહિલાઓની શક્તિને ઓળખી તેને ઉદ્યોગક્ષેત્રે જોડી છે, ત્યારે ગુજરાતની વધુ ને વધુ મહિલાઓ પોતાની આવડત-કૌશલ્યને ઓળખે, પીછાણે અને સરકારની યોજનાઓના અધિકાર મેળવવા જાગૃત બને તે જરૂરી છે.

તેમણે લોક સંવાદ સેતુ કાર્યક્રમ એ લોકોની મુશ્કેલીઓના નિરાકરણ માટેનું સચોટ માધ્યમ બન્યો છે તેમ જણાવી આ કાર્યક્રમમાં રજૂ થયેલા ૮૦૦૦ જેટલા પ્રશ્ર્નો પૈકી ૮૫ ટકા થી વધુ પ્રશ્ર્નોનું હકારાત્મકતા સાથે નિરાકરણ કરાયું છે તેમ પણ ઉમેર્યું હતું.

મહિલાઓના ઉત્કર્ષ માટે સખી મંડળો અને મિશન મંગલમની સાથે ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા મહિલાઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેઓને આર્થિક રીતે સક્ષમ બનાવી છે.

તેમણે આ તકે દેવભૂમિ દ્વારકા ખાતે પર્યટન ક્ષેત્રનો વધુ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઓખાથી બેટ દ્વારકા સુધીના બ્રિજના નિર્માણ માટેના પ્રયાસો હાથ ધરાશે તેમ પણ જણાવ્યું હતુ.

આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય પ્રધાન વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં એક દાયકા કરતાં વધુ સમયથી આરંભાયેલા સર્વાંગી વિકાસના યજ્ઞકાર્યોને ગતિશીલ ગુજરાત અભિયાને નવી દિશા સાથે આગળ ધપાવ્યા છે. આ તકે વાહન વ્યવહાર નિગમના ચેરમેન બી. એચ. ઘોડાસરા, ધારાસભ્ય પબુભા માણેક તથા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો