ઊંટ પણ ચાલ્યુ કૂતરાનાં રસ્તે, ઊંટે બચકુ ભરતા મૃત્યુ

મંગળવાર, 20 જાન્યુઆરી 2015 (16:08 IST)
શહેરમાં અવારનવાર હડકાયા કૂતરા કરડવાના બનાવો બને છે, પરંતુ બાપુનગર વિસ્તારમાં પગપાળા પસાર થતા રાહદારીને ઝાડ સાથે બાંધેલુ ઊંટ કરડતા તેનું મોત થયું હતું.

આધારભૂતસૂત્રોના જણાવ્યા અનુસાર નરોડાના સૈજપુરબોઘા વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ પિતાંબરદાસ ત્રિવેદી (ઉ.વ.૪૫) મોડી રાતે બાપુનગર વિસ્તારમાં મરઘા ફાર્મ રોડ પર જમનાનગરના છાપરા પાસેથી પગપાળા પસાર થતા હતા. તેઓ રોડની સાઈડમાં બાવળના ઝાડે દોરડાથી બાંધેલા ઊંટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ઊંટે તેમને માથામાં બચકું ભરી લીધું હતું. ઊંટે બચકુ ભરતા ગોવિંદભાઈ ત્યાંજ ઢળી પડ્યા હતા. આ બનાવને પગલે સ્થાનિક રહીશો સ્થળ પર દોડી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જયાં તેમનું મોત થયું હતું. આ બનાવને પગલે પોલસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ અંગે પોલીસે અકસ્માતે મોત નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાપુનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર પી.ડી.પરમારે જણાવ્યું હતું કે, અત્યારે અકસ્માતે મોત નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ મૃતક ગોવિંદભાઈ ત્રિવેદીના પી.એમ. રિપોર્ટ બાદ તેમના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઉપરાંત ઊંટના માલિક સામે પુરાવા મળશે તે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઊંટની કસ્ટડી માલિક પાસેથી છે, પરંતુ તેની મેડિકલ તપાસ પશુઓના ડોકટર પાસે કરાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો