તાલિબાનનું ફરમાન : અફઘાનિસ્તાનમાં છોકરીઓ એનજીઓમાં કામ નહીં કરી શકે

રવિવાર, 25 ડિસેમ્બર 2022 (10:47 IST)
અફઘાનિસ્તારનમાં છોકરીઓ માટે શિક્ષણના દરવાજા બંધ કર્યા બાદ હવે તાલિબાને બિનસરકારી સંસ્થાઓમાં મહિલાઓના કામ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.
 
દેશની તાલિબાન સરકારના આ નિર્ણયની સંયુક્ત રાષ્ટ્રે એવું કહીને નિંદા કરી હતી કે આ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
 
જોકે, તાલિબાને આ નિર્ણયને યોગ્ય ઠેરવતા કારણ આપ્યું કે એનજીઓમાં મહિલા સ્ટાફ હિજાબ ન પહેરીને શરિયા કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
 
અમુક દિવસ પહેલાં જ અફઘાનિસ્તામાં મહિલાઓના યુનિવર્સિટી શિક્ષણ મેળવવા પર પણ પ્રતિબંધ લાદી દેવાયો હતો.
 
અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિંકને પણ આ નિર્ણયની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, આ નિર્ણય “અફઘાનિસ્તાનના લોકો માટે વિનાશકારી હશે.”
 
એનજીઓમાં કામ કરનારાં ઘણાં મહિલાઓ ઘરમાં કમાનારા એકલાં સદસ્ય છે. તે પૈકી કેટલાકે પોતાનાં ડર અને લાચારી વિશે બીબીસીને જણાવ્યું.
 
એક મહિલાએ કહ્યું, “જો હું નોકરી નહીં કરું તો મારા પરિવારનું ગુજરાન કોણ ચલાવશે?”
 
અન્ય એક મહિલાએ આ સમાચારને “આશ્ચર્યચકિત કરનારા” ગણાવ્યા અને ભારપૂર્વક કહ્યું કે તેમણે તાલિબાનના ડ્રેસ કોડનું પાલન કર્યું હતું.
 
વધુ એક મહિલાએ તાલિબાનની “ઇસ્લામિક નૈતિકતા” પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમને ચિંતા હતી કે તેઓ હવે પોતાનું ઘર કેવી રીતે ચલાવશે અને બાળકોને શું ખવડાવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર