ભુજમાં ભેખડ ધસી પડવાની ઘટના CCTVમાં કેદ, એકનું મોત બે લોકો હજુ દટાયેલા

શનિવાર, 24 ડિસેમ્બર 2022 (12:24 IST)
ભુજમાં ભેખડ ધસી પડવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ ઘટનામાં માત્ર પાંચ જ સેકન્ડમાં વાહનોનો બૂકડો બોલી ગયો હતો. ભુજથી અંદાજિત 100 કિલોમીટર દૂર ખાવડા નજીકના રતળિયા પાસે આવેલા મોટા પૈયા ગામની સિમમાં શુક્રવાર સાંજે 6.30ની આસપાસ માઇલ સ્ટોનની ખાણમાં પથ્થર તોડવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન 40થી 50 ફૂટ ઊંચા ડુંગર પરથી ભારેખમ પથ્થરો તૂટીને નીચે પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના ચાર લોકો દટાયા હતા. જેમાંથી એકનું મોત થયું છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ બે લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે જેઓની શોધખોળ હાલ ચાલી રહી છે.

માઇલ સ્ટોનની ખાણમાં 50 ફૂટ ઉપરથી પથ્થરો તૂટીને નીચે રહેલા બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક ઉપર પડતા તમામ વાહનો 20થી 30 ફૂટ જેટલા કાટમાળ તળે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એકનું મોત થયું છે. જ્યારે બે લોકો પથ્થરના કાટમાળ તળે હજુ દટાયેલા છે. તેમજ એકની હાલત ગંભીર છે જેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યાં છે. જેમાં માત્ર પાંચ જ સેકન્ડમાં તમામ વાહનોનો બૂકડો બોલી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. ઉપરથી ભેખડ પડતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી.આ ઘટનામાં 1 શ્રમજીવીનું મોત નિપજ્યું હતું તો બે શ્રમિક હજુ પણ ઊંચાયેથી તૂટી પડેલી પથ્થરની ભેખડ તળે દટાયેલા છે. દબાયેલા શ્રમિકોની શોધખોળ માટે તંત્ર દ્વારા ફરી આજ શનિવાર સવારના સાત વાગ્યાથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હાલ 6 થી 7 હિટાચી મશીન દ્વારા મહાકાય મલબની સફાઈ કરવામાં આવી રહી છે અને માર્ગને સાફ કરવામાં આવી રહ્યો છે. ઘટનામાં ઘાયલ એક વ્યક્તિની ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો