આંતકવાદને આશરો આપનારા દેશ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. હવે પાકિસ્તાનના સૌથી જાણીતા શહેર લાહોરમાં અનેક બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટ લાહોરના એયરપોર્ટની પાસે થયો છે. પાકિસ્તાન સેનાએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને વિસ્તારમાં સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે. પાકિસ્તાનના સ્થાનિક જીઓ ન્યૂઝે આ વિસ્ફોટના સમાચારની પુષ્ટિ કરી છે.
પ્રત્યક્ષ જોનારાઓએ શુ કહ્યુ ?
લાહોરમાં થયેલા વિસ્ફોટ અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે એરપોર્ટ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ પછી લાહોર એરપોર્ટ પર સાયરનનો અવાજ સંભળાયો અને તેને બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ લાહોરના વોલ્ટન રોડ વિસ્તારમાં થયા હતા.
પાકિસ્તાની આર્મીની મોટી ભૂલ
લાહોરમાં થયેલા વિસ્ફોટ અંગે પાકિસ્તાનના લશ્કરી સૂત્રો તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લાહોરમાં પાકિસ્તાની સેનાના અભ્યાસ દરમિયાન એરપોર્ટ નજીક વિસ્ફોટ થયો હતો. આનો અર્થ એ થયો કે પાકિસ્તાની સેનાએ ભૂલથી પોતાના જ શહેર પર હુમલો કર્યો છે.
ગઈકાલે જ ભારતે કરી હતી મિસાઈલ સ્ટ્રાઈક
ભારતે મંગળવાર અને બુધવારની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં અનેક સ્થળોએ મોટા પાયે મિસાઇલ હુમલો કર્યો હતો. આ મિસાઈલ હુમલામાં લશ્કર અને જૈશના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં 100 થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ હુમલામાં પાકિસ્તાની નાગરિકો કે લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. ભારતે પાકિસ્તાનને કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીથી દૂર રહેવાની સલાહ આપી છે.