હિઝબોલ્લાહ પર ઇઝરાયેલે 25 જેટલાં ઠેકાણાં ઉપર હવાઈ હુમલા

સોમવાર, 21 ઑક્ટોબર 2024 (18:07 IST)
ઇઝરાયલે લેબનોનના 25 જેટલાં ઠેકાણાં ઉપર હવાઈ હુમલા કર્યા છે, જેમાંથી14 રાજધાની બૈરુતમાં આવેલાં છે.
 
ઇઝરાયલના સુરક્ષાબળો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહને સમર્થન આપતી બૅન્ક અલ-કર્દ અલ-હસન ઍસોસિયેશનની શાખાઓ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા.
 
બૅન્ક લેબનોનમાં 30 જેટલી શાખા ધરાવે છે, જેમાંથી 15 બૈરુતના એકદમ ગીચ વિસ્તારોમાં આવેલી છે. આ બૅન્ક દ્વારા હિઝબુલ્લાહને મદદ પહોંચાડવામાં આવતી હોવાનું અમેરિકા પણ માને છે.
 
આ હુમલામાં કોઈ ઘાયલ થયું છે કે કેમ, તે સ્પષ્ટ નથી, પરંતુ ઇઝરાયલે કહ્યું છે કે તે હિઝબુલ્લાહને મદદ કરતી બૅન્કો તથા અન્ય નાણાંકીય સંસ્થાઓને નિશાન બનાવવાનું ચાલુ રાખશે.
 
બૈરુત ઍરપૉર્ટ પાસે આવેલી બૅન્કની શાખામાંથી ધુમાડો નીકળતો દેખાયો હોવાના અહેવાલ છે.
 
રવિવારે સાંજે આઈડીએફના પ્રવક્તા રિયર ઍડમિરલ ડૅનિયલ હગારીએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે અમે આગામી કલાકો દરમિયાન અને આખી રાત ટાર્ગેટ્સ ઉપર હુમલા કરીશું.
 
તેમણે દાવો કર્યો હતો કે ઈરાન દ્વારા હિઝબુલ્લાહને આર્થિકમદદ પહોંચાડવામાં આવે છે, જેના વિશે આગામી દિવસો દરમિયાન ખુલાસો કરવામાં આવશે.
 
આઈડીએફે દાવો કર્યો હતો કે ઉત્તર ઇઝરાયલ ઉપર રવિવારે અનેક રૉકેટ છોડવામાં આવ્યા હતા, જો કે, તેમાં મૃત્યુ કે ઈજાના કોઈ અહેવાલ નથી.
 
ઇઝરાયલનું કહેવું છે કે હિઝબુલ્લાહ તથા લેબનોનના અધિકારીઓ દ્વારા નાગરિકવિસ્તારોને નિશાન બનાવવામાં આવે છે, પરંતુ તેમણે આ આરોપોને નકાર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર