સમગ્ર દેશમાં હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ક્રેઝ વધ્યો છે. મોબાઈલથી ટ્રાન્ઝેક્શનનો ક્રેઝ પણ લોકોમાં સરળ બની ગયો છે. ત્યારે માત્ર એક ક્લિક દ્વારા હવે ગણતરીની સેકન્ડમાં જ એક વ્યક્તિ બીજી વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. દેશમાં વધેલા આ ક્રેઝના જેટલા લાભ દેખાય છે તેની સાથે અનેક ગેરલાભ પણ છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતીઓએ સાત કરોડથી વધુ રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવ્યાં છે.
છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો રૂપિયા 28 કરોડથી વધુની રકમ ગુજરાતીઓ સાયબર ફ્રોડમાં ગુમાવી ચૂક્યાં છે.લોકસભાના સત્રમાં જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 2018-19માં 1135 અને 2019-20માં 2719 સાયબર ફ્રોડની ઘટના નોંધાઇ હતી. આ બંને નાણાકીય વર્ષમાં ગુજરાતીઓએ સાયબર ફ્રોડમાં રૃપિયા 8.76 કરોડ ગુમાવ્યા હતા. કોરોના કાળમાં ઈન્ટરનેટથી નાણાકીય લેવડ-દેવડના પ્રમાણમાં વધારો થયો હતો અને તેની સાથે જ સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધ્યું છે. 2020-21માં સાયયબર ફ્રોડની 4746 ઘટનામાં રૃપિયા 12.37 કરોડ જ્યારે એપ્રિલથી ડિસેમ્બર 2021 સુધી 2281 ઘટનામાં રૂપિયા 6.95 કરોડ ગુમાવ્યા છે.આ સમયગાળામાં કુલ 10 હજાર 881થી વધુ સાયબર ફ્રોડની ઘટના નોંધાઇ છે.લોકસભામાં આપવામાં આવેલી વિગતો અનુસાર સમગ્ર દેશમાં આ સમયગાળામાં સાયબર ફ્રોડની કુલ 2.49 લાખ ઘટના નોંધાઇ છે અને તેની સામે રૃપિયા 789.11 કરોડની ઉચાપત થઇ ચૂકી છે. અજ્ઞાત વ્યક્તિને ડેબિટ-ક્રેડિટ કાર્ડ નંબર-પાસવર્ડ, ઓટીપી આપવાને કારણે જ મોટાભાગની સાયબર ફ્રોડની ઘટના નોંધાય છે. અજ્ઞાત વ્યક્તિનો ઓટીપી માટે ફોન આવતા અનેક લોકો તે આપી દે છે અને તેઓ ગણતરીની મિનિટમાં બેંકમાં કરેલી બચત ગુમાવી દે છે.જાણકારોના મતે સાયબર ટેક્નોલોજીથી નાણાકીય લેવડ-દેવડ ખૂબ જ સરળ બની ગઇ છે અને હવે બેંકમાં કે કોઇ વ્યક્તિને રૂબરૂ નાણા આપવા જવું પડે તેવું ઓછું બને છે.પરંતુ ઈન્ટરનેટથી નાણાકીય લેવડ-દેવડ કરતાં એક નાનકડી ભૂલથી તમારી સમગ્ર જીવનની મૂડી ગણતરીની મિનિટમાં સફાચટ થઇ જાય તેવું બની શકે છે. આ સમયગાળામાં પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડથી 2018-19માં 3477 ઘટનામાં રૂપિયા 2.22 કરોડ ગુમાવ્યા હતા. જોકે, આ પછીના નાણાકીય વર્ષથી તેમાં સાયબર ફ્રોડની ઘટના ઘટીને 10થી ઓછી થઇ ગઇ છે.