વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનેસલ કોવિડ-19 રસી iNNCOVACC થઇ લોન્ચ

શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (09:30 IST)
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (IC) ડૉ. જીતેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં કોવિડ-19 રસી iNNCOVACC બહાર પાડી હતી. iNNCOVACC એ વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનેસલ કોવિડ-19 રસી છે જેને પ્રાથમિક 2-ડોઝ લેવા માટે અને હેટરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે લેવા માટે મંજૂરી આપવામાં આવી છે. ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ (BBIL) દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના બાયોટેકનોલોજી વિભાગ હેઠળના PSU બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ (BIRAC) સાથે મળીને આ રીતે તૈયાર કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં નવી રસી બહાર પાડવામાં આવી તેનો આનંદ વ્યક્ત કરતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, આખી દુનિયામાં પૂરી પાડવામાં આવતી કુલ રસીઓમાંથી 65% રસીઓ ભારતમાંથી પહોંચાડવામાં આવે છે. દુનિયાની પ્રથમ ઇન્ટ્રાનેસલ (નાક દ્વારા લઇ શકાય તેવી) રસી લાવવા બદલ તેમણે BBILની ટીમ અને બાયોટેક વિભાગને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું હતું કે "વિશ્વની આ પ્રથમ ઇન્ટ્રાનેસલ કોવિડ-19 રસી હોવાથી, આ સિદ્ધિ આત્મનિર્ભર ભારત માટેના આહ્વાનને ગૌરવપૂર્ણ રીતે અનુસરે છે".
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આખી દુનિયામાં ભારતની રસી ઉત્પાદન અને આવિષ્કારની ક્ષમતાની પ્રશંસા થાય છે કારણ કે આપણા દેશે ગુણવત્તાયુક્ત અને પરવડે તેવી દવાઓના ઉત્પાદનમાં વિશેષ છાપ ઉભી કરી છે. તેમણે એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે, દુનિયામાં કોવિડની પ્રથમ રસી શરૂ કરવામાં આવી તેના એક મહિનાની અંદર જ, ICMR સાથે મળીને BBIL એ ભારતમાં COVAXIN (કોવેક્સિન) રસી રજૂ કરી હતી.
 
ડૉ. જિતેન્દ્ર સિંહે BIRAC સાથે મળીને બીજી રસી શોધવા બદલ BBILને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, "ભારતે વિકાસશીલ વિશ્વમાં સામાન્ય રોગો માટે રસી અને દવાઓ તૈયાર કરવામાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે". તેમણે "મિશન કોવિડ સુરક્ષા"ના પ્રારંભને પ્રેરણા આપવા અને સક્ષમ કરવા બદલ પ્રધાનમંત્રીના વ્યક્તિગત હસ્તક્ષેપ અને નિયમિત દેખરેખને શ્રેય આપ્યો. તેમના પ્રયાસોના કારણે આત્મનિર્ભર ભારતને વધારે મજબૂતી પ્રાપ્ત થવાની સાથે સાથે, સમગ્ર દુનિયામાં રસી તૈયાર કરવા અને તેનું ઉત્પાદન કરવાના કેન્દ્ર તરીકે ભારતની સ્થિતિને પણ મજબૂત બનાવી શકાઇ છે, અને આ પ્રકારે દુનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની ક્ષમતા જોઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, “આગલું પગલું બિન-ચેપી રોગો માટે રસી તૈયાર કરવાનું હશે".
 
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ZyCoV-D, વિશ્વની પ્રથમ અને ભારતમાં સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 માટેની DNA આધારિત રસી છે, જે 12 વર્ષ અને તેથી વધુ વયના બાળકો અને પુખ્ત વયના લોકો સહિત તમામ લોકોને આપી શકાય છે. તે રસી પણ BIRAC દ્વારા ‘મિશન કોવિડ સુરક્ષા’ હેઠળ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના બાયોટેકનોલોજી વિભાગ સાથે ભાગીદારીમાં તૈયાર કરવામાં આવી હતી.
 
iNCOVACC એ કોવિડ માટેની ઓછી ખર્ચાળ રસી છે જેમાં સિરિંદ, સોય, આલ્કોહોલ વાઇપ્સ, બેન્ડેજ વગેરેની જરૂર પડતી નથી, ખરીદી, વિતરણ, સંગ્રહ અને બાયોમેડિકલ કચરાના નિકાલ સંબંધિત ખર્ચની બચત થાય છે, જ્યારે ઇન્જેક્ટેબલ રસીઓમાં નિયમિતપણે આ બધાની જરૂર પડતી હોય છે. તે વેક્ટર-આધારિત પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, જે થોડા મહિનામાં મોટા પાયે ઉત્પાદન તરફ દોરી જતા ઉભરતા વેરિઅન્ટ્સ સાથે સરળતાથી અપડેટ કરી શકાય છે. આ ઝડપી પ્રતિભાવ સમયરેખા ઓછી ખર્ચાળ અને સરળ ઇન્ટ્રાનેસલ ડિલિવરીની ક્ષમતા સાથે જોડાયેલી છે. આ બાબત તેને ભવિષ્યમાં ચેપી રોગોનો સામનો કરવા માટે એક આદર્શ રસી બનાવે છે.
 
જેમણે અગાઉથી ઓર્ડર આપેલો હોય તેવી ખાનગી હોસ્પિટલોમાં iNCOVACC નો અમલ શરૂ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. પ્રારંભિક ધોરણે દર વર્ષે અમુક મિલિયન ડોઝની ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે અને જરૂરિયાત મુજબ આ ક્ષમતાને એક અબજ ડોઝ સુધી વધારી શકાય તેમ છે. રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા મોટા જથ્થાની ખરીદી માટે iNCOVACC ની કિંમત પ્રત્યેક ડોઝના 325 રૂપિયા રાખવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર