અમદાવાદમાં જાપાનના પીએમ આબે અને મોદીની મુલાકાત દરમિયાન ડેકોરેશનનું બિલ 4 કરોડ રૂપિયા - આરટીઆઈમાં ખુલાસો

શનિવાર, 25 નવેમ્બર 2017 (14:36 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માસ પૂર્વે અમદાવાદ પધાર્યા હોય અને ઇન્ડો જાપાન સમીટ મુલાકાત દરમિયાન જે લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું તેના માટે અધધ ૪.૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું આરટીઆઈ અરજીમાં ખુલાસો થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તા. ૧૭-૦૯-૧૭ ના રોજ અમદાવાદ ખાતે ઇન્ડો જાપાન સમીટ મુલાકાત દરમિયાન હાજરી આપી હતી અને જાપાનના વડાપ્રધાન સાથે અમદાવાદનો પ્રવાસ પણ કર્યો હતો ત્યારે આખા અમદાવાદ શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.

ઠેર ઠેર રોશનીના શણગાર સજ્યા હતા જેના ખર્ચ મામલે કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોષીએ રાઈટ ટૂ ઇન્ફર્મેશન અંતર્ગત લાઈટ ડેકોરેશનના ખર્ચ અંગે માહિતી માંગી હતી જેમાં મુખ્યમંત્રીનું કાર્યાલય, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર, સેન્ટ્રલ ઓફીસ, ડે. મ્યુ. કમિશનર અને લાઈટ ખાતું વગેરેના રેફરન્સ દ્વારા આર ટીઆઈ અરજીના જવાબમાં અમદાવાદ લાઈટ ડેકોરેશન માટે કુલ ૪,૨૧,૨૮,૭૭૧ નો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી જવાબરૂપે આપવામાં આવી છે ત્યારે ભારત જેવો દેશ જ્યાં હજુ ગરીબી અને રોજગારી જેવા મુદાઓ યથાવત છે ત્યારે વડાપ્રધાનના પ્રવાસ માટે લાઈટ ડેકોરેશનનો સવા ચાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા ગત તા. ૧૭-૧૦ ના રોજ અરજી કરવામાં આવી હતી જેનો જવાબ ગત તા. ૨૩-૧૧ ના રોજ આપવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર