આ સરકારી વિભાગોમાંથી લોન અપાવી દેવાની લોભામણી વાતો કરતાં લોકોથી નાગરિકો ચેતજો, નહીતર પસ્તાવવું પડશે

ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (11:03 IST)
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન, સ્નાતક પછી વિદેશ અભ્યાસ લોન તેમજ સ્વરોજગાર બાબતની લોન આપવાની પ્રક્રિયા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ચાલી રહી છે. આ સમયે નિગમના ધ્યાને એક ગંભીર બાબત આવી છે કે, નિગમમાંથી લોન અપાવી દેવાની લોભામણી વાતો કરીને નિર્દોષ નાગરિકો પાસેથી નાણાંકીય લેવડ-દેવડ કરવામાં આવી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઇને કોઇ નિર્દોષ નાગરિક આવી કોઇ લોભામણી વાતોમાં દોરાઇને તેનો ભોગ ન બને તે હેતુસર આવા લોકોથી બચવા નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.
 
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરના અધ્યક્ષ બી.એચ.ઘોડાસરાએ જણાવ્યું છે કે શૈક્ષણિક લોન, સ્નાતક પછી વિદેશ અભ્યાસ લોન તેમજ સ્વરોજગાર બાબતની લોન માટે ઓનલાઇન અરજી કરનાર લાભાર્થી અરજદારોને નિયત ધારાધોરણ પ્રમાણે જરૂરી કાર્યવાહી કરી નિગમ દ્વારા લોન મંજૂર કરવામાં આવે છે. કેટલાક લોકો લોન અપાવી દેવાની લોભામણી વાતો કરતા હોવાની બાબત ધ્યાને આવતા આવા લોકોથી નાગરિકો ચેતે, કોઇ વ્યક્તિઓને આવી વાતોમાં આવવુ નહી. નિગમના અધ્યક્ષએ ઉમેર્યુ છે કે વિદેશ લોનમાં કાર્યનો ભરાવો હોઇ, ટૂંક સમયમાં જ વિદેશ લોનમાં પણ બેકલોગનો ઉકેલ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર