તેજસ ટ્રેનનો વિજય રૂપાણીએ કરાવ્યો શુભારંભ, અમદાવાદ રેલવે સ્ટેશને કરાયો વિરોધ

શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (12:04 IST)
આજથી દોડનારી મુંબઇ-અમદાવાદ રૂટ પર દેશની બીજી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ છે. તમને જણાવી દઇએ કે કોમર્શિયલ લોન્ચની તારીખ 19 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. IRCTC એ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ ટ્રેનમાં 758 સીટો છે, જેમાં 56 સીટો એક્ઝિક્યૂટિવ ક્લાસની અને બાકી સીટો એસી ચેર ક્લાસની છે. તમને જણાવી દઇએ કે આ ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની છે. ટ્રેનમાં વાઇફાઇની સાથે-સાથે કેટરિંગનું મેન્યૂ જાણિત શેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મુસાફરોને મફતમાં 25 લાખ રૂપિયાનો વીમો મળશે. દરેક કોચમાં ઇંટિગ્રેટેડ બ્રેલ ડિસ્પ્લે, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ્સ અને ઇલેક્ટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ છે. 
 
 
તેજસ એક્સપ્રેસ મુંબઇ-અમદાવાદ રૂટ પર સવારે 06.40 વાગે અમદાવાદથી દોડશે અને બપોરે 1:10 વાગે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેનનો નંબર અમદાવાદથી દોડતી વખતે 82902 હશે. તો બીજી તરફ મુંબઇથી પરત ફરતી વખતે આ ટ્રેનનો નંબર 82901 થઇ જશે. આ ટ્રેન મુંબઇ સેન્ટ્રલથી બપોરે 3:30 વાગે ઉપડશે અને રાત્રે 9:55 મિનિટે અમદાવાદ પહોંચશે. 
 
19 જાન્યુઆરીથી જાહેર જનતા લઈ શકશે લાભ
 
 160 કિમી પ્રતિકલાકની ઝડપે તેજસ ટ્રેન દોડશે. સામાન્ય જનતા 19 જાન્યુઆરીથી તેજસ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. ટ્રેન માત્ર બે જ સ્ટેશન વડોદરા અને સુરત ઉભી રહેશે.  તેજસ એકસપ્રેસ દિલ્હી-લખનઉ બાદ હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. ટ્રેનના યાત્રિકોને 25 લાખનો વીમો મળશે.
 
તેજસ એક્સપ્રેસના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. રૂપાણીએ કહ્યું કે PM મોદીના નેતૃત્વમાં રેલ્વેનો વિકાસ થઇ રહ્યો છે. ભારતીય રેલ્વેના વિકાસ માટે તેમણે આયોજન કર્યુ છે. લોકોને સુવિધા આપવી અમારી પ્રાથમિકતા છે. રેલ્વે સ્ટેશનો પર વાઇફાઇની સુવિધા પણ અપાશે. સાથે જ રૂપાણીએ કહ્યું કે ગાંધીનગર રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવાશે. રેલ્વેના પ્રયાસથી અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે.’
 
નર્મદામાં કેવડીયા ખાતે કેન્દ્રીય રેલવેમંત્રી નિરિક્ષણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ હતું કે કેવડિયાથી દેશની તમામ ટ્રેનને જોડાશે. તેમજ શટલ સર્વિસ પણ ચાલુ કરવામાં આવશે. અને ફાસ્ટ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવે છે. આ સાથે તેમણે જમીન માલીકોને વિનંતી કરી હતી કે સારા કામ માટે સહકાર આપે. પોતાની જમીન આપી રેલવે લાઇન જોડવામાં મદદરુપ બને.
 
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે તેજસ ટ્રેન શરૂ થવાના પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો.વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિઝર્વેશન સેન્ટર પાસે લાલ વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો. રેલવે યુનિયનથી જોડાયેલા કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. વિરોધ કરી રહેલા તમામની પોલીસ દ્વારા કરાઈ અટકાયત કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર