બિપરજોય વાવાઝોડાએ અંબાણી અને અદાણીને પણ પ્રભાવિત કર્યા, પોર્ટ બંધ થવાથી કરોડોના નુકસાનનો સામનો કરશે

ગુરુવાર, 15 જૂન 2023 (12:13 IST)
ગુજરાત પર હવે આજે સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડુ ટકરાવાની શક્યતાઓ છે. ત્યારે દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને પણ વાવાઝોડાના કારણે બિઝનેસમાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોટી જામનગર રિફાઈનરી ચલાવે છે. આ માટે ગુજરાતના બંદરેથી જ ક્રૂડ ઓઈલ સપ્લાય અને નિકાસ કરવામાં આવે છે.વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કંપનીએ સિક્કા પોર્ટ પરથી ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોનું શિપિંગ સ્થગિત કરી દીધું છે.

આ બંદર પર દરરોજ 7,04,000 બેરલ પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન થાય છે. તે યુરોપમાં ડીઝલ સપ્લાય કરવા માટેનું મુખ્ય બંદર છે. રશિયા પરના પ્રતિબંધોથી, યુરોપ મોટાભાગે આ બંદરથી મોકલવામાં આવતા પેટ્રોલિયમ પર નિર્ભર છે. ચક્રવાતના કારણે ગૌતમ અદાણી ગ્રુપના મુંદ્રા અને કંડલા પોર્ટ બંધ કરવા પડ્યા હતા. મુંદ્રા દેશનું સૌથી મોટું કોમર્શિયલ બંદર છે, જે સૌથી વધુ કોલસાની આયાત કરે છે. આ ઉપરાંત વેડીનાર, ઓખા, બેડી અને નવલખી બંદરો પરની કામગીરીને પણ અસર થશે. હાલમાં વાવાઝોડાના કારણે તમામ બંદરો પર ભયજનક સિગ્નલો લાગેલા છે. ભારે પવન અને વરસાદના કારણે બંદરો પરની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છમાં પવનચક્કીઓ બંધ કરાઈ છે. અલગ-અલગ કંપનીઓની પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ પવનચક્કીઓ કચ્છ જિલ્લામાં છે. માંડવી અને આસપાસના વિસ્તારમાં પવનચક્કીઓ બંધ કરાઈ છે. વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પવનચક્કીઓ બંધ કરાઈ છે. ઓટોમેટીક લોક સિસ્ટમથી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર