બિપોરજોય વાવાઝોડાને લઈ 8 જિલ્લાના 442 ગામડામાં એલર્ટ, 75 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

ગુરુવાર, 15 જૂન 2023 (11:39 IST)
બિપોરજોય ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આજે સાંજે તે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ અને તેની અડીને આવેલા પાકિસ્તાની વિસ્તાર સાથે ટકરાશે. આ દરમ્યાન 125થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવાની આશંકા છે. મૌસમ વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેને જોતા ગુજરાત સરકારે આ વિસ્તારના ક્ષેત્રોમાં સમુદ્ર તટથી લગભગ 10 કિમીના દાયરામાં 55 હજારથી વધારે લોકોને કાઢી હંગામી શિબિરોમાં મોકલી દીધા છે. એનડીઆરએફના ઉપ મહાનિરીક્ષક મોહસિન શહીદીએ મીડિયાને જણાવ્યા અનુસાર, છેલ્લા 2 દિવસની અંદર ગુજરાતના તટીય વિસ્તારમાંથી 74 હજારથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.તોફાનને લઈને 8 જિલ્લાના 442 નીચાણવાળા ગામડા પુર અને વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. એકલા કચ્છમાં લગભગ 34,300 લોકોને કાઢવામાં આવ્યા છે. ત્યાર બાદ જામનગરમાંથી 10,000, મોરબીમાં 9243, રાજકોટમાં 6089, દેવભૂમિ દ્વારકામાં 5035, જૂનાગઢમાં 4604, પોરબંદર જિલ્લામાં 3469, ગિર સોમનાથ જિલ્લામાં 1605 લોકોને શિફ્ટ કરાયા છે.જામનગરના એસટી ડિવિઝન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ખુબ જ સાવચેતી રાખવામાં આવી રહી છે, અને એસ.ટી. બસના અનેક રૂટ કેન્સલ કરી દેવાયા હતા, ત્યારે ગઈકાલ સુધીમાં બહારથી આવનારી એસ.ટી. બસોને જામનગરના એસ.ટી. બસ ડેપોમાં સુરક્ષીત કરીને રાખી દેવામાં આવી છે, અને આજે જામનગર થી દ્વારકા- રાજકોટ- અમદાવાદ સહિતના રૂટ પર ઉપડતી ૫૪ બસના રૂટ કેન્સલ કરી દેવાયા છે, અને તમામ બસને સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવી છે. જેના કારણે જામનગર નો એસટી બસ ડેપો સૂમશામ નજરે પડી રહ્યો છે. સંભવિત વાવાઝોડા ની દહેશતના પગલે કોઈ અકસ્માત કે જાનહાની ન થાય, તેની તકેદારીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે.'બિપરજોય' વાવઝોડા સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સતત બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપસ્થિત  છે.

તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવના વિવિધ  પગલાઓ લેવાઈ રહ્યા છે. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ  સનાતન સેવા આશ્રમ ખાતે વાવાઝોડાના ખતરા સામે આર્મીની તૈયારીઓ વિશે વિગતો મેળવતા આર્મી જવાનો સાથે મુલાકાત કરી હતી.બિપરજોય વાવઝોડામાં ઓછામાં ઓછા રેસક્યું કરવા પડે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આર્મીના જવાનો કોઈપણ આપદાને પહોંચી વળવા માટે સક્ષમ છે અને આવી દરેક વિપદાની વેળા તેઓ  સેવા કાજે સૌથી આગળ ઊભા રહ્યા છે. આર્મીના જવાનોને મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીનાં અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા માટે જણાવ્યું હતું. બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના આર્મી કેમ્પથી સ્પેશિયલ આર્મી ટીમ દેવદેવભૂમિ દ્વારકા ખાતે બોલાવવામાં આવી છે. આર્મીના 78 જેટલા જવાનો 13 વાહનો સાથે દ્વારકા ખાતે પહોંચી ગયા છે. આર્મી જવાનો લાઈફ જેકેટ, ટ્રી કટર, રિકવરી વ્હીકલ, એમ્બ્યુલન્સ, રાશન કીટ સહિતની સામગ્રીઓ સાથે તૈયાર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર