‘આસારામ ગ્રુપ’નું શેરબજારમાં ૧૧૧ કરોડનું રોકાણ

શનિવાર, 16 નવેમ્બર 2013 (11:47 IST)
P.R

બળાત્કાર પ્રકરણે ભાગેડુ જાહેર કરેલા નારાયણ સાંઇની સંપત્તિને ટાંચમાં લેવાની પ્રક્રિયા અગાઉ પોલીસે હાથ ધરેલી તપાસમાં વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. પોલીસ તપાસને દસ્તાવેજી પુરાવારૂપે હાથ લાગેલી નારાયણ સાંઇની વિગતોને જોતા સાંઇ સાધુ કે સંત કરતા અઠંગ બિઝનેસમનો ય ઘૂંટણિયે પાડી દે તેવા ખેપાની હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સાંઇએ શરેબજારમાં એક બે નહીં પૂરા ૧૧૧ કરોડથી વધુ રૂપિયાનું મૂડીરોકાણ ર્ક્યું હોવાની વિગતો પોલીસ તપાસમાં સપાટી પર બહાર આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત સાંઇએ અંગત સેવક-સેવિકાઓને અંધારામાં રાખી તેમના નામે દેશભરના વિવિધ વિસ્તારોમાં જમીન અને મકાનો ખરીદી અંદાજે પાંચ હજાર કરોડની સંપત્તિનું સામ્રાજ્ય ફેલાવી રાખ્યું હોવાનુ પ્રકાશમાં આવ્યું છે. છેલ્લાં દોઢ મહિનાથી પોલીસને હંફાવી રહેલો નારાયણ સાંઇ પકડાતો નથી પણ તેના કારસ્તાનોના એક પછી એક નવા નવા પ્રકરણો ઉજાગર થઇ રહ્યા છે.

નોંધનીય છે કે, થોડા સમય અગાઉ સુરત પોલીસે અમદાવાદમાં રહેતા સાંઇના અંગત સેવક સુનિલ પ્રહલાદ સેવાણીના ઘરે દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ૨૩ વિદેશી દારૂની બોટલો સાથે ૪૨ પોટલા ભરી દસ્તાવેજોનો જથ્થો હાથ લાગ્યો હતો. આ બનાવ બાદ ગયા સપ્તાહે જ સાંઇની સાધિકા ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા પટેલના ચાંદખેડા સ્થિત મકાન પર પોલીસે દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી પણ કોરાચેક બુક, સીમકાર્ડ અને કેટલાક દસ્તાવેજો નો જથ્થો હાથ લાગ્યો હતો.

સાંઇને ભાગેડું જાહેર ર્ક્યા બાદ પોલીસે હવે તેની સંપત્તિને ટાંચ મારી તેને ભીંસમાં સપડાવાની તજવીજ હાથ ધરી છે. જેના પગલે હાથ લાગેલા દસ્તાવેજોની બારીકાઇથી ચકાસણી હાથ ધરાઇ છે. આ દસ્તાવેજી તપાસમાં સાંઇએ શેરબજારમાં વિવિધ સાધકો-સેવિકાઓના નામે ૧૧૧ કરોડથી વધુ માતબર રકમનું રોકાણ કરવા ઉપરાંત ૫૦૦૦ હજાર કરોડથી વધુની સંપત્તિનું સામ્રાજ્ય ખડું ર્ક્યું હોવાનું સ્પષ્ટ થયું છે. તપાસ હજી ચાલુ છે તેથી આ આંકડામાં હજી વધારો થઇ શકે છે, એમ પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોનું માનીએ તો, નારાયણે મોટાભાગની મિલ્કત તેના સાધકો અને સેવિકાના નામે ખરીદી છે, પરંતુ આ અંગેની જે તે સેવિકા-સાધકને સાંઇએ ભનક સુદ્ધાં આવવા દીધી નથી. નારાયણ એક પાકા બિઝનેસમેનની જેમ સાધકોના નામે મિલ્કત તો ખરીદતો પણ સામે મિલ્કત કોઇ પચાવી ન શકે તે માટે મિલ્કત ટ્રાન્સફરના કાગળો પર સિફતપૂર્વક જે તે સાધક-સેવિકાની સહીઓ કરાવી લેતો હતો.

ધરપકડ કરાયેલી ગંગા પોલીસ સમક્ષ એક જ રટણ કરી રહી છેકે, સાંઇએ તેના નામે ક્યારે ફ્લેટ ખરીદ્યો તેની પોતાને ખબર જ નથી.

વેબદુનિયા પર વાંચો