ડુંગળી બે રુપિયા કિલો!

ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2014 (17:34 IST)
ડુંગળીના ભાવ પાણી-પાણી થઈ ગયા છે. દક્ષિણ ભારતમાં નવી ડુંગળીની આવકો ચાલુ થવાને પગલે બેંગ્‍લોરમાં ખેડૂતો ત્રણ રૂપિયે કિલો ડુંગળીનું વેચાણ કરવુ પડી રહ્યુ છે. આ તરફ એશિયાની સૌથી મોટી મંડી લાસણ ગાંવમાં પણ ડુંગળીના ભાવ ઘટીને કિલોના રૂ. ૨ લઈ ગયા છે. મહારાષ્‍ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ડુંગળીનો મુદ્દો રાજકારણનું સ્‍વરૂપ ધારણ કરી રહ્યુ છે.

   દેશમાં ડુંગળીનો જૂનો સ્‍ટોક હવે ઝડપથી બગડવા લાગ્‍યો છે અને દક્ષિણમાં બેંગ્‍લોર સહિતના સેન્‍ટરોમાં ની આવકો રોજની ૫૦ થી ૭૦ હજાર ક્‍વિન્‍ટલની થઈ રહી છે. બેંગ્‍લોરમાં નવી ડુંગળીના ભાવ કિલોના રૂ. ૩ થી ૧૦ ચાલી રહ્યા છે. જેની સામે લાસણગાંવ મંડીમાં ભાવ ઘટીને કિલોના રૂ. ૨ થી ૧૦ ચાલી રહ્યા છે. આમ પાંચેક મહિના પહેલા રૂ. ૫૦ માં વેચાતી ડુંગળી આજે પાણી કરતા પણ નીચા દરે વેચાણ રહી છે. મહુવામાં પણ ખેડૂતોને કિલોના રૂ. ૬ થી ૧૫ જ મળી રહ્યા છે.

   નાસિકના એક ડુંગળીના ટ્રેડરે કહ્યુ કે, ડુંગળીમાં સતત ઘટી રહેલા ભાવને કારણે ખેડૂતોને મોટું નુકશાન જઈ રહ્યુ છે. નવી ડુંગળીની આવકો ધારણા કરતા વહેલી શરૂ થઈ ગઈ છે. ઓકટોબરમાં શરૂ થવાની ગણતરી સામે સપ્‍ટેમ્‍બરના બીજા પખવાડિયામાં જ આવકો વધી છે. ખેડૂતોને ભાવ ઘટવાનો ડર હોવાથી વેચવાલી વધી રહી છે.

   કેન્‍દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપરના લઘુતમ નિકાસ ભાવ ૧૬મી ઓગષ્‍ટે ૫૫૦ ડોલરથી ઘટાડીને ૩૦૦ ડોલર કર્યા છે, પરંતુ આ ભાવથી પણ અત્‍યારે નિકાસ થાય તેવી શકયતા નથી. વળી જૂના માલોમાં ક્‍વોલિટીનો ઈશ્‍યુ મોટો હોવાથી સરેરાશ નિકાસ થતી નથી.

   મહારાષ્‍ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ડુંગળીના મુદ્દે ફરી ગરમાવો પકડી રહ્યો છે. સ્‍વાભીમાન સેટકરી સંગઠનના નેતા રાજુ શેટ્ટીએ ભાજપની ખેડૂત વિરોધી ડુંગળીની નીતિ સામે વિરોધ નોંધાવ્‍યો છે. ખાસ કરીને ડુંગળી ઉપરના નિકાસ અને સ્‍થાનિક નિયંત્રણો સામે ખેડૂતોને નીચા ભાવ મળી રહ્યા છે. કેન્‍દ્ર સરકારે ડુંગળીના નીચા ભાવ સામે ખેડૂતોને પૈસા ચૂકવવા જોઈએ.

   બીજી તરફ શરદ પવારે પણ તેની જાહેર સભામાં ભાજપ સરકારની ખેડૂતો વિરોધી નીતિ સામે આક્ષેપ કરવાના શરૂ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે કેન્‍દ્રમાં મોદી સરકાર આવ્‍યા બાદ તેને ડુંગળી અને બટાટાનો આવશ્‍યક ચીજવસ્‍તુ ધારા હેઠળ સમાવેશ કર્યો છે અને ડુંગળીની નિકાસ ઉપર નિયંત્રણ પણ લાગુ કર્યા છે. જ્‍યારે આયાતના નિયમો હળવા કર્યા છે.

વેબદુનિયા પર વાંચો