ભારતના ખેડૂતો દરવર્ષે આશરે 28 મિલિયન ટન યુરિયાનો વપરાશ કરે છે, જે પૈકીના આશરે 6-8 મિલિયન ટન યુરિયાની આયાત કરવામાં આવે છે
કેન્દ્ર સરકારે યુરિયાના ભાવમાં 40 ટકાનો વધારો ઝીંકવા માટે તૈયારી શરૂ કરી છે. યુરિયા એ ભારતમાં સૌથી વધુ વપરાતું ખાતર છે. સરકાર ઉપર જે રીતે સબસિડીનું ભારણ વધી રહ્યું છે તેને નજર સમક્ષ રાખતા કેન્દ્રને આ ભાવવધારો જરૂરી જણાય છે. પરંતુ પાંચ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓને કારણે સરકાર માટે આ ભાવવધારો અગ્નિપરીક્ષા સમાન બનશે.
ભારતના ખેડૂતો દરવર્ષે આશરે 28 મિલિયન ટન યુરિયાનો વપરાશ કરે છે, જે પૈકીના આશરે 6-8 મિલિયન ટન યુરિયાની આયાત કરવામાં આવે છે. આયાતી યુરિયા અને યુરિયાના સ્થાનિક ઉત્પાદન માટે જરૂરી કાચા માલના ભાવોમાં થયેલા વધારાને લીધે માત્ર ખાતર ક્ષેત્રે સરકારની સબસિડીનો આંક લગભગ રૂ. 1,00,000 કરોડે પહોંચ્યો છે, જેની સામે અંદાજપત્રમાં માત્ર રૂ. 54,000 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
"આ અંગેનો એક પ્રસ્તાવ બનાવાઈ રહ્યો છે અને આગામી સપ્તાહે આ વિશેની ઔપચારિક કેબિનેટ નોટ સર્ક્યુલેટ કરાશે," એવું ખાતર અને રસાયણ મંત્રાલયના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું.
આ પ્રસ્તાવને નાણા મંત્રાલયના આશીર્વાદ પણ પ્રાપ્ત થયેલા છે કેમ કે નાણા મંત્રાલય નાણાકીય ખાધને કાબુમાં લેવા માટે ધમપછાડા કરી રહ્યું છે.
ભારતમાં કુલ 52 મિલિયન ટન ખાતરનો ઉપયોગ થાય છે જે પૈકી યુરિયાનો હિસ્સો લગભગ અડધોઅડધ છે. યુરિયા એકમાત્ર એવું ખાતર છે કે જેના ભાવ સરકાર દ્વારા નિયંત્રિત થાય છે. છેલ્લે એપ્રિલ 2010માં યુરિયાનાં ભાવો રૂ. 4,830થી વધારીને ટનદીઠ રૂ. 5310 કરવામાં આવ્યાં હતા. યુરિયાના વેચાણ ભાવ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેના તફાવતને સરકાર સબસિડી આપીને સરભર કરી આપે છે.