ઓનલાઈન મળતી ડુંગળી

સોમવાર, 31 ઑગસ્ટ 2015 (15:27 IST)
છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીમાં થઈ રહેલા સતત ભાવવધારાએ સસ્તી ડુંગળીનો સ્વાદ ચાખવા લોકોને હાઈટેક બનાવી ઈન્ટરનેટ-વાઈફાઈથી ઓનલાઈન ડુંગળી અને શાકભાજીની ખરીદી કરતાં શીખવાડી દીધું છે કારણ કે બજારમાં મળતી ડુંગળી રૂ.૮૦ પ્રતિ કિલો છે અને ઓનલાઈન મળતી ડુંગળી પ્રતિ કિલો રૂ.૩૦થી ૫૮ પ્રતિ કિલો ઘેરબેઠા મળે છે.

ઓનલાઈન શાકભાજી સ્ટોર હવે લોકલ બની ગયા છે. બજારમાં ૮૦ રૂપિયા કિલો મળતી ડુંગળી ભાગ્યે જ કોઈ ખરીદવા તૈયાર થઈ રહ્યું છે. ત્યારે ગ્રાહકોને રાહત આપતી ઓનલાઈન ખરીદીમાં સસ્તા ભાવે ડુંગળી મળી રહી છે. થોડા સમય પહેલાનો ઓનલાઈન શાકભાજી, ફળોનો ક્રેઝ ઓછો થતા વેચાણ ઘટ્યું હતું પરંતુ ડુંગળીના કારણે ઓનલાઈન ખરીદીમાં ઉછાળો આવ્યો છે.

કઈ વેબસાઈટ પર શું ભાવે મળે છે ડુંગળી આ તમામ વેબસાઈટ ઉપર રૂ.૩૦થી શરૂ કરીને રૂ.૫૮ સુધી પ્રતિ કિલો ડુંગળી ઉપલબ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં માત્ર ૧૬થી ૮ લાખ ટન ડુંગળીનો સ્ટોક બચ્યો છે. નવી ડુંગળી ઓક્ટોબર માસના અંત સુધીમાં આવશે. પરિણામે છૂટક ડુંગળીના ભાવ હજુ બે મહિના ઘટશે નહીં. ગુજરાતમાં પાણીનો અભાવ અને મહારાષ્ટ્રમાં વરસાદની અછત તેમજ મધ્ય પ્રદેશમાં વધુ વરસાદે ડુંગળીનો પાક બગડતાં ખેડૂતો હવે ફરી નવી ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહે એક હજાર ટન ડુંગળી ઈજિપ્ત, ચીન અને પાકિસ્તાનથી આયાત થવાની હોઈને ડુંગળીની અછત રહેશે નહીં પણ ભાવો પણ ઘટશે નહીં.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડુંગળીનું હબ ગણાતા મહુવામાં પણ હાલમાં ડુંગળીનો ભાવ પ્રતિ ૨૦ કિલો ૯૦૦થી રૂ.૧૧૦૦ છે. દેશમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થાય છે.

વેબદુનિયા પર વાંચો