ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ હાફિઝ સઈદ સાથે પણ હાથ મિલાવે - નીતિન પટેલ
મંગળવાર, 24 ઑક્ટોબર 2017 (13:14 IST)
ગુજરાતમાં રાજકિય દંગલ રંગબદલી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જોરદાર રસાકસીનો ખેલ જોવા મળી રહ્યો છે. સોમવારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ આંતકી હાફિઝ સઇદ સાથે પણ હાથ મિલાવવામાં પીછે હટ ન કરે. વિપક્ષ સત્તા હાંસલ કરવા માટે વિવિધ જ્ઞાતિઓ વચ્ચે અંતર વધારવાની કોશિશ કરી રહ્યું છે.
રાહુલના સંબોધનમાં પાટીદારોનો કોઇ ઉલ્લેખ નહીં. નીતિન પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી હું જાણું છું, રાહુલ ગાંધી અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓના સંબોધનમાં પાટીદારો અને કોઇપણ અનરિઝર્વ્ડ ક્લાસનો ઉલ્લેખ નથી. તેમણે સંકેત આપ્યા હતા કે કોંગ્રેસ ફરી એકવાર મતો માટે KHAM (ક્ષત્રિય, હરિજન, આધિવાસી અને મુસ્લિમ) સમીકરણ તૈયાર કરી રહ્યું છે. 1980ના દશકમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ કોંગ્રેસ માટે KHAM વોટ બોંક તૈયાર કરી હતી. નીતિન પટેલે આક્ષેપ કર્યો હતો કે, KHAM થિયરીના લીધે જ ગુજરાતમાં તોફાનો થયા હતા. રાહુલનું ભાષણ સાંભળ્યા બાદ લાગે છે કે કોંગ્રેસ ફરી એકવાર એ જ માર્ગે ફરી રહી છે. તે સમાજને વહેંચીને મત મેળવવા માગે છે. કોંગ્રેસના નેતાઓએ પાટીદાર અને બીજી જનરલ કાસ્ટ વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. બધા નેતા એસસી, એસટી, ઓબીસી અને મુસ્લિમની વાતો કરે છે. આ જ માધવસિંહ સોલંકીની KHAM થિયરી હતી.