ભાજપના કાર્યકરોએ ભીખ માગતા બાળકને પણ ટોપી પહેરાવી

બુધવાર, 22 નવેમ્બર 2017 (16:06 IST)
ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં વિકાસ ખાસ્સો ચર્ચામાં છે.વિકાસના આવા દાવાની ગઈ કાલે ક્લિક થયેલી એક તસવીર લીરેલીરાં ઉડાવી રહી છે.આ તસવીર ભાવનગરની છે, જ્યાંથી ગઈ કાલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિજય સરઘસથી પણ મોટી રેલી કાઢી જોરદાર તામજામ સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ હાજર હતા.પ્રદેશ પ્રમુખ ફોર્મ ભરવા નીકળ્યા હતા, ત્યારે સમગ્ર માહોલને કેસરિયો કરવા માટે ભાજપના કાર્યકર્તાઓએ પણ કોઈ કસર નહોતી છોડી.

જ્યાં જુઓ ત્યાં ભાજપના ઝંડા નજરે પડતા હતા, અને રસ્તામાં પણ જે મળે તેને કેસરિયો ખેસ અને ટોપી પહેરાવાતી હતી.આ બધામાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહમાં આવીને રસ્તા પર ભીખ માગતા એક બાળકને પણ ટોપી પહેરાવી દીધી હતી. આ બાળકને કદાચ વિકાસનો અર્થ ખબર નહોતો, પણ ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે તેની તે સાબિતી ચોક્કસ આપી શકે તેમ હતો. ભાજપની ટોપી પહેરીને રસ્તા પર ભીખ માગતા આ બાળકની તસવીરો જોતજોતામાં જ વ્હોટ્સએપ પર ફરવા લાગી હતી, ‘હું છું વિકાસ’ના દાવા કરનારા કે પછી વિકાસ ગાંડો કહેનારા બંનેમાંથી સાચું કોણ તે તો ખબર નથી, પણ આ બાળકની તસવીર થોડામાં ઘણું કહી જાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર