સામગ્રી - બે કપ ચોખા, બે કપ દળેલી ખાંડ, દહીં અથવા કેળુ, ખસખસ, તળવા માટે ઘી.
બનાવવાની રીત - ચોખાને ત્રણ દિવસ સુધી પલાળી રાખવા. ત્રીજા દિવસે ચોખાને ધોઈ સાધારણ સૂકવી લેવા. ચોખા સૂકાયા પછી તેને મિક્સરમાં ઝીણા દળીને ચાળી લેવા. ચોખાનો લોટ અને દળેલી ખાંડ બંને એકદમ લોટ જેવા દળેલા હોવા જોઈએ. હવે ખાંડ અને ચોખાના લોટને મિક્સ કરી સારી રીત મસળી તેના મોટા મોટા લાડુ વાળી મૂકી દો. જ્યારે પણ બનાવો ત્યારે એક લાડુને મસળી તેમાં પ્રમાણસર દહીં કે કેળુ મસળી તેનાથી જ સાધારણ નરમ લોટ બાંધવો.
એક થાળી કે આડણી પર ખસખસ પાથરી તેના પર એક લૂઓ મૂકવો અને આંગળીઓ વડે તેને થાપીને ગોળ પુરી જેટલો આકાર આપી વચ્ચે કાણું પાડી દેવુ. કઢાઈમાં ઘી ગરમ કરી ધીમા તાપે ખસખસવાળો ભાગ ઉપર રહે એ રીતે આ પુરીને તળી લેવી. તૈયાર છે સ્વાદિષ્ટ કુરકુરા અનારસા.
(જો લોટ અને ખાંડ સારી રીતે મિક્સ ન થયા હોય તો અનારસા ઘી માં નાખતા તૂટી જાય છે, તેથી ચોખાનો લોટ એકદમ ઝીણો કરવો જોઈએ)