કલોલના ટ્રાન્સપોર્ટનાં વેપારી સાથે તેના ખાસ મિત્રએ જ ધંધામાં ભાગીદારીની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી છે. વર્ષ 2021નાં ડિસેમ્બર મહિનામાં આશા રોડવેજનાં નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા અમિતભાઈ બારોટ તેમના પિતા સાથે કલોલ નંદલાલ ચોકમાં આવેલી પોતાની ઓફિસે બેઠા હતા. તે વખતે ચાર વર્ષથી મિત્ર બનેલો ઋષિ સુથાર અને તેના પિતા મહેશભાઈ(બન્ને રહે. શિવાનંદ, કલોલ, મૂળ મોરવા ગામ, કડી) મળવા માટે ગયા હતા.જ્યાં બંને જણાએ ખાડા ખોદવાનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાની વાત કરી ધંધા સારું ખાડા ખોદવાનું હિટાચી મશીન ખરીદવાની વાત કરી હતી. જો કે મશીન ખૂબ મોંઘુ આવતું હોવાથી ઋષિએ અમિતભાઈ ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી સુરતથી સેકન્ડ હેન્ડ હીટાચી મશીન 28 લાખમાં ખરીદશું તેમ જણાવ્યું હતું. આથી અમિતભાઈ તેના મિત્ર ઋષિની વાતોમાં આવી ગયા હતા. અને ધંધામાં ભાગીદારી થશે એવો વિશ્વાસ રાખીને તા. 28/12/2021 ના રોજ ઋષિના એકાઉન્ટમાં છ લાખ ટ્રાન્સ્ફર કર્યા હતા. એજ રીતે બીજા છ લાખ 18 મી જાન્યુઆરી તેમજ 18 ફેબ્રુઆરીએ 6 લાખ રોકડા મળીને કુલ 18 લાખ ઋષિને આપી દીધા હતા. એક મહિના પછી અમિતભાઈએ ધંધાનો હિસાબ માંગતા ઋષિએ રૂ. 1.57 લાખનો આપેલો ચેક બેંકમાંથી બાઉન્સ થયો હતો. જેથી અમિતભાઈએ ભાગીદારી લેખ કરવાની વાત કરતાં ઋષિએ બીજા બે ચેક આપીને ભાગીદારી કરવાની ગેરંટી આપી હતી.જો કે ઋષિએ ભાગીદારીની જગ્યાએ સ્ટેમ્પ ઉપર હાથ ઉછીના પૈસા લીધાનું લખાણ કરી આપ્યું હતું.
એકાદ મહિના પછી ફરી મશીન ના ભાડાનો હિસાબ માંગતા ઋષિએ ઘસીને ના પાડી દીધી હતી. આથી તેણે આપેલા ચેક બેંકમાં ભરતાં બાઉન્સ થયા હતા. તો મશીન ની તપાસ કરતાં અમિતભાઈને માલુમ પડયું હતું કે બાપ દીકરાએ કોઈ સેકન્ડ હેન્ડ મશીન ખરીદ્યું નથી. જેની પૃચ્છા કરવા અમિતભાઈ ઘરે પણ ગયા હતા. જો કે દરવાજે ખંભાતી તાળું લટકતું હતું. અને ઋષિનો ફોન પણ બંધ આવતો હતો. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં અમિતભાઈએ કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.