ઈસનપુરમાં રહેતી 37 વર્ષીય યુવતીને સાસુ તથા જેઠ ભેગા મળીને યુવતીને નાની-નાની બાબતે વાંક કાઢી પતિને ફરિયાદ કરતાં, તેથી પતિ પત્ની સાથે ઝઘડો કરીને પત્નીની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધતો હતો, જેથી પત્નીએ ના પાડતા પતિ ગાળો બોલી, ઝઘડો કરતો અને અવારનવાર પિયરમાંથી દહેજ પેટે બાઈક અને મકાન લેવા માટે પૈસા લાવવાનું દબાણ કરતો હતો. પત્ની પોતાનો સંસાર ન બગડે તે માટે ચુપચાપ સહન કરતી હતી.દરમિયાન પતિ-પત્ની અમદાવાદ રહેવા આવ્યા ત્યારે તેના પતિએ કામ-ધંધો બંધ કરી પત્નીને તેના પિયેરથી ઘરખર્ચના અને કરિયાણાના પૈસા લાવવાનું દબાણ કરતાં પત્નીએ તેના પિયેરમાં વાત કરતાં તેના પિતાએ ઘર પર લોન લઈ, તેમજ તેની બહેને દાગીના ગીરવે મુકીને તેના પતિને છ લાખ રૂપિયા ધંધો કરવા માટે આપ્યા હતા. જો કે એક વર્ષ સુધી સારી રીતે ધંધો ચાલ્યા બાદ તેના પતિને દુકાન બીજે શિફ્ટ કરવી હોઈ, તેના પિતાને ત્યાંથી પચાસ હજાર લાવવાનુ કહેતાં પત્નીએ ઈન્કાર કરતા પતિ ધંધો બંધ કરી દીધો હતો.
આ અગાઉ પણ પત્નીના દાગીના તેની સાસુએ લઈ લીધા હતા અને ધંધા માટે તેના પુત્રને આપ્યા હતા. જે પાછા માગતા સાસુએ આપવાનો ઇન્કાર કર્યો હતો. દરમિયાન તેનો પતિ અમદાવાદમાં પત્નીને મૂકી રાજસ્થાન ચાલ્યો ગયો હતો. યુવતીના પિતાએ ફોન કરીને વેવાઈને તેમની દીકરીને લઈ જવાની વાત કરી પરંતુ કોઈ પરિણામ આવ્યું નહોતં.અંતે કંટાળીને મહિલા પોલીસનો સંપર્ક કર્યો જેમાં પોલીસે પતિ અને તેના માતા-પિતાને બોલાવીને સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા. પતિ તેની પત્નીને તેડી જવા માટે તૈયાર ન થતા સમાધાનની પ્રક્રિયા નિષ્ફળ નીવડતા અંતે મહિલાની ફરિયાદ લઈ પોલીસે તેના પતિ-સાસરિયાં વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માગનો ગુનો દાખલ કર્યો છે.