અમદાવાદની પરીણિતાને ખેંચ આવતાં જ સાસરીયાઓ દવા સંતાડી દેતા, તુ જોઈતી નથી કહી ઘરમાંથી કાઢી મુકી

બુધવાર, 25 મે 2022 (10:12 IST)
આજના શિક્ષિત સમાજમાં દહેજનું દૂષણ વધી રહ્યું છે. દહેજના કારણે મહિલાઓનું જીવવું દોઝખ બન્યું છે. અમદાવાદમાં ફરિવાર દહેજનો એક કેસ પોલીસ સુધી પહોંચ્યો છે. શહેરમાં બાપુનગરમાં રહેતી મહિલાનો લગ્નના માત્ર 6 મહિનામાં જ ઘરસંસાર પડી ભાંગ્યો છે. સાસરિયાઓ દહેજ માટે મહિલાના ચારિત્ર્ય પર શંકા કરતા હતાં. પતિ તેનો મોબાઈલ ચેક કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. કંટાળેલી મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટની મહિલાના બાપુનગરના યુવક સાથે 6 મહિના પહેલાં રીતરિવાજ પ્રમાણે લગ્ન થયાં હતાં. લગ્નના ચાર દિવસ પછી રસોઇ બનાવવા જેવી નાની નાની બાબતે તકરાર કરીને મહિલાને માનસિક તેમજ શારિરીક ત્રાસ શરુ કરવામાં આવ્યો હતો. તેનો પતિ વારંવાર તેનો મોબાઈલ ચેક કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. સાસરિયાઓ તેને જમવાનું પણ આપતા નહોતા. તે ઉપરાંત સાસરિયાઓએ તેને તું જોઈતી જ નથી તેમ કહીને કાઢી મુકી હતી. 
 
તું ગરીબ ઘરની છે તારા બાપના ઘરેથી શું લાવી?
સાસરિયાઓ તેને કહેતાં કે તું ગરીબ ઘરની છે તારા બાપના ઘરેથી શું લઈને આવી છે. તારી ખેંચની બિમારીની જાણ પણ લગ્ન બાદ કરી છે. સાસરિયાઓ મહિલાની દવાઓ પણ સંતાડી દેતા હતાં અને જમવાનું પણ આપતા નહોતા. ઘરમાં તેની સાથે નોકરાણી જેવો વ્યવહાર કરતાં હતાં. તેનો પતિ વારંવાર તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. 
 
કંટાળીને મહિલા પિયરમાં આવી ગઈ હતી
પતિ વારંવાર કહેતો હતો કે મારે તારી જરૂર નથી તું મને જોઈતી જ નથી તેમ કહીને તેને ઘરમાંથી કાઢી મુકી હતી. પરંતુ બાદમાં તેઓ મહિલાને સમાધાન કરીને તેડી ગયાં હતાં. પરંતુ થોડા સમયમાં ફરિવાર તેમણે પોતાનો અસલી રંગ બતાડ્યો હતો. તેમણે મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આખરે કંટાળીને મહિલા પિયરમાં આવી ગઈ હતી. બાદમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર