અમદાવાદમાં છોકરીનું પોસ્ટર લગાવી સેકસ વર્કર લખનાર ટેનિસ ખેલાડી મુંબઈથી ઝડપાયો

મંગળવાર, 28 મે 2024 (12:22 IST)
tennis player
 દેશના જાણીતા ટેનિસ ખેલાડી માધવીન કામથની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. માધવીન કામથ તેની મિત્રના ફોટોના પોસ્ટર બનાવીને નીચે સેક્સ વર્કર અને ફોન નંબર લખી દીધા હતા, ત્યાર બાદ આ પોસ્ટર અલગ અલગ જગ્યાએ ચોંટાડ્યા હતા. આ બાબતની જાણ થતાં યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ માધવીન વિદેશ જતો રહ્યો હતો, જેની સામે L.O.C.કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તે મુંબઈથી પરત આવતા હવે પોલીસે તેને ઝડપી લીધો છે. આ મામલે આગળની તપાસ સાયબર ક્રાઇમે શરૂ કરી છે.
 
આરોપી વિરુદ્ધ L.O.C. રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં રહેતી મહિલાએ ફરિયાદ કરતાં ક્રાઈમ બ્રાન્ચે એક શખસની ધરપકડ કરી છે. આ શખસે મહિલાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે અમદાવાદ શહેરમાં ફરિયાદીનો મોબાઇલ નંબર તેમજ ફિમેલ એસ્કોર્ટ લખી અલગ અલગ જગ્યાએ ઇલેક્ટ્રિક ડીપી ઉપર પોસ્ટરો લગાવ્યા હતાં. આ પોસ્ટરના કારણે ફોન કોલ્સ આવતાં મહિલા હેરાન પરેશાન થઈ ગઈ હતી. જેથી તેણે પોસ્ટર લગાવનાર વિરૂદ્ધ ફરિયાદ આપતાં ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ પૂરાવાના આધારે તપાસ કરતાં આ ગુનો આરોપી માધવીન ચિરાગ કામથે કર્યો હોવાનું જણાયું હતું. આરોપી વિદેશમાં હોવાનુ જાણવા મળતાં તેની વિરુદ્ધ L.O.C. રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. 
શહેરમાં જુદી જુદી જગ્યાએ પોસ્ટર ચોંટાડેલા હોવાની કબૂલાત કરી
 
ત્યારબાદ આરોપી ટેનિસ પ્લેયર હોય ટુર્નામેન્ટ રમવા વિદેશ પ્રવાસ ઉપર હોવાથી જે મુંબઇ એરપોર્ટ ખાતે ઉતરતા તેને ડિટેઇન કરવામાં આવ્યો હતો. જેનો કબજો મેળવી આ ગુનામાં અટક કરવામાં આવી છે. આરોપી માધવીન કામથની પૂછપરછ તેમજ તપાસ દરમ્યાન પોતે તથા ફરિયાદી મહિલા અગાઉ મિત્ર હતા અને વાતચીત દરમ્યાન મનદુ:ખ થતાં ઉશ્કેરાઇ જઇ ઇન્સ્ટાગ્રામ ઉપરથી ફરિયાદીનો ફોટો મેળવી તેની પ્રિન્ટ કાઢી તેના ઉપર ફિમેલ એર્સ્કોટ તથા સેક્સ વર્કર લખી તેના નીચે ફરિયાદીનો મોબાઇલ નંબર લખી અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ પોસ્ટર ચોંટાડેલા હોવાની કબૂલાત કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર