- કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર નહી
મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ચાર શ્રમિકો દટાયા હતા. ઘટનાની જાણ કરતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્રણ લોકોને બહાર કાઢી એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલમાં કુલ ચાર લોકો એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં ત્રણ મજૂરો બેભાન હોવાનું જાણવા મળ્યું છે.
સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ફાયર બ્રિગેડના સુત્રો પ્રમાણે મણિનગર સ્વામિનારાયણ કોલોનીમાં શ્રીજી એલીગન્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર બાંધકામ ચાલતું હતું. લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ શ્રમિકો કામ કરતા હતા ત્યારે અચાનક ભેખડ ધસી પડી હતી. જેમાં કુલ ચાર લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનાને જોતા જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેમાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી લીધો હતો જ્યારે શાંતિબેન, પાયલબેન અને ચિરાગ નામના ત્રણ શ્રમિકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્રણેય શ્રમિકો બેભાન અવસ્થામાં હતાં
અમદાવાદ ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર ઓમ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાડા અગિયારની આસપાસ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. જેમાં ચાર લોકો દટાયા હોવાની માહિતી અપાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણ લોકોને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યા હતા. ત્રણેય શ્રમિકોને બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર જોવા મળ્યો નહોતો.