આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઠેર ઠેર યુગલો એકબીજા સાથે મળીને આજના દિવસે જીવનમાં એક થવાનું વચન આપે છે. આજના દિવસે પ્રેમની અનેક વાર્તાઓ અને કિસ્સાઓ જાણવા મળશે પરંતુ કોઈ વિસ્તાર જ પ્રેમથી ભરેલો હોય એવું આજે પહેલીવાર જાણવા મળશે.સુરતની સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીમાં બારેમાસ વેલેન્ટાઇન ડે હોય છે. આ શેરી આજના સોશિયલ મીડિયાના યુગમાં પ્રેમનું પ્રતીક બની છે. 1800ની વસ્તી ધરાવતી શેરીમાં 80 જેટલા યુગલોએ પ્રેમલગ્ન કર્યા છે.
આજે પણ અહીં પ્રેમલગ્નમાં લોકો વિશ્વાસ રાખે છે
કાછિયા શેરીમાં મોટાભાગે કાછિયા સમાજના લોકો રહે કરે છે. એક સમાજથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત છે. તેજ કારણ છે કે અહીંના લોકો મોટાભાગે લવ મેરેજ કરે છે. આજે પણ અહીં પ્રેમલગ્નમાં લોકો વિશ્વાસ રાખે છે. શેરીમાં 1800થી વધુ કાછિયા સમાજના લોકો બાપ-દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે. અહીં પેઢીઓથી પ્રેમલગ્ન થતા આવ્યા છે. આ શેરીમાં 70થી 80 જેટલા એવા કપલો છે, જેમણે પ્રેમલગ્ન કર્યા છે. આજે પણ તમામ દાંપત્યજીવનમાં સુખેથી સહપરિવાર જોડે જીવન વ્યતીત કરી રહ્યા છે.
અહીંના વડીલોની ઉંમર આજે 50થી 60 વર્ષ વચ્ચેની છે
કાછિયા શેરીમાં રહેતા લોકોનું કહેવું છે કે, કાછિયા સમાજના લોકો અહીં બાપ-દાદાના સમયથી સ્થાયી થયા છે. આજ દિન સુધી અહીં લોકો પ્રેમલગ્નમાં વિશ્વાસ રાખે છે. શેરીમાં જ રહેતા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ત્યારે વડીલો દ્વારા એક પરિવારની જેમ વાતચીત કરી પ્રેમલગ્ન કરાવે છે. આજદિન સુધી કરાવવામાં આવેલ પ્રેમલગ્ન દરમિયાન દાંપત્ય જીવનમાં છૂટાછેડા થયા હોય તેવો એક પણ કિસ્સો બન્યો નથી. પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થાય ત્યારે વડીલોની મધ્યસ્થી અહીં સુખદ સમાધાન કરાવવામાં આવે છે. અહીંના વડીલોની ઉંમર આજે 50થી 60 વર્ષ વચ્ચેની છે છતાં પતિ-પત્ની સુખ સને શાંતિ તેમજ પ્રેમથી રહે છે.