શ્રીલંકામાં ગુજરાતી ક્રિકેટરનું સ્વિંમિંગ પુલમાં ડૂબી જવાથી મોત
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (17:25 IST)
શ્રીલંકામાં અંડર 17 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા 12 વર્ષના સુરતના કિશોરનું સ્વિંમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતો હતો નરેન્દ્ર. શ્રીલંકામાં ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા ગયેલા મૂળ જેસલમેરના માનસિંગ સોઢાના પુત્ર નરેન્દ્રનું મોત થતાં પરિવાર સહિત ક્રિકેટ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગોડાદરામાં રહેતાં સોઢા પરિવારના આશાસ્પદ તરુણ ક્રિકેટર નરેન્દ્ર સોઢા સહિત 18 યુવકો શ્રીલંકામાં અંડર 17 ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે ગત ત્રીજી તારીખે રાશીદ ઝીરાક ક્રિકેટ કોંચીંગ એકેડમી અંતર્ગત ગયા હતાં. જ્યાં કોલંબોથી 35 કિલોમીટર દૂર આવેલા નેગામ્બો રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં મિત્રો સાથે નાહતી વખતે ડૂબી જતાં મોત થયું હતું. ગત 3 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર સોઢા શ્રીલંકા ક્રિકેટ રમવા માટે જતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો. નરેન્દ્રના પિતા માનસિંહે ગર્વ સાથે પોતાના પુત્રની સફર અને સફળતા મિત્રો સાથે શેર કરતાં ફોટોઝ શેર કર્યા હતાં. 10 સપ્ટેમ્બરના રોજ ટીમ પરત ફરવાની હતી. એ અગાઉ ફોન પર નરેન્દ્રના મોતના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.