અમિત શાહે ગુજરાતની જેમ દેશમાં દાદાગીરીનું રાજ શરૂ કર્યું: કૉંગ્રેસ

ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (13:13 IST)
રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ તમામ પ્રકારના દાવપેચ-કાવત્રા ખેલી રહી છે. કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યને યેનકેન પ્રકારે તોડવા અને ના માને તો ધાકધમકી અને ડરનો માહોલ ઊભો કરીને પોતાના મનસૂબા પાર કરવા માગે છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની જેમ હવે દેશમાં પણ દાદાગીરીનું રાજ શરૂ કર્યું હોય તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ઇશારે કર્ણાટક બેંગલુરુ ખાતે કૉંગ્રેસ પક્ષ ધારાસભ્યો જ્યાં રોકાયા છે

તે જગ્યા પર ઇન્કમ ટેક્સ દરોડા પાડીને ત્યાં પણ ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સંખ્યાબળની દૃષ્ટિએ કૉંગ્રેસ પક્ષ રાજ્યસભામાં એક બેઠક મેળવે જ્યારે ભાજપ સંખ્યાબળની દૃષ્ટિએ બે બેઠક મેળવે. તેમ છતાં ભાજપ દ્વારા જુદાજુદા હથકંડા અપનાવીને અનૈતિક રાજનીતિ કરી રહી છે. રાજ્ય સભાની બેઠક જીતવા ભાજપે પહેલો દાવપેચ તરીકે રાજ્યસભાની ચૂંટણી ૮ જૂને જાહેર થઈ હતી તેને સ્થગિત કરાવી. બીજો દાવપેચ તરીકે પૂરતી બહુમતી ન હોવા છતાં ત્રીજો ઉમેદવાર ઊભો રાખ્યો. ત્રીજો દાવપેચ રૂપિયા દસ કરોડની લાંચ કૉંગ્રેસના ધારાસભ્યોને આપવાનો પ્રયાસ, ચોથો દાવપેચ નૉટાનું બટન રાખીને કર્યો અને પાંચમો દાવપેચ બેંગલુરુ ખાતે ઇન્કમ ટેક્સની રેડ પાડીને ખેલ્યો છે. આ જ રીતે એક પછી એક ભાજપના કારનામા સામે આવી રહ્યા છે. ભાજપ લોકશાહીને ગળે ટૂંપો આપી રહી છે. ડઘાયેલી અને જુદાજુદા કાવત્રામાં નિષ્ફળ ભાજપ નિમકક્ષાની રાજનીતિ કરી રહ્યો છે. ભાજપ ગમે તેટલા ષડયંત્ર રચે છેવટે સત્યનો વિજય થશે જ અને કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર અહેમદભાઈ પટેલનો વિજય નિશ્ર્ચિત છે. બીજી બાજુ રાજ્યસભાના ભાજપના ઉમેદવારમાં ખેંચતાણ ઊભી થઈ છે અને ભાજપના સ્મ્ાૃતિ ઇરાનીની હાર થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

વેબદુનિયા પર વાંચો