પુરીની રથયાત્રા - મૂર્તિઓ બદલવાની પરંપરા

ગુરુવાર, 16 જુલાઈ 2015 (17:01 IST)
પુરીની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના રથો પર નગરમાં ભ્રમણ કરે છે. રથયાત્રા એ બહુ પ્રાચીન પરંપરા છે. તેના વિશે લગભગ સહુ કોઈ જાણે છે, પરંતુ અમુક બાબતો એવી છે જે બહુ ઓછા જાણે છે અને તેમાંથી જ એક છે જગન્નાથ મંદિરની મૂર્તિઓ સાથે સંકળાયેલું રહસ્ય. વાસ્તવમાં નિશ્ચિત અંતરાલ પછી ભગવાન જગન્નાથ,બલભદ્ર અને સુભદ્રાજીની પ્રતિમાઓ બદલી નાખવામાં આવે છે. આ વર્ષે પણ પ્રતિમાઓ બદલી દેવામાં આવી છે. નવી પ્રતિમાઓનું વિધિવત્ રીતે પૂજન કરીને ત્યારબાદ રથયાત્રાના દિવસે રથ પર બેસાડીને ભ્રમણ કરાવવામાં આવશે. આ નવી પ્રતિમાઓને તૈયાર કરવાની વિધિ અને તેની સાથે જોડાયેલી પરંપર બહુ જૂની હોવાની સાથે સાથે બહુ અનોખી પણ છે.

આ પ્રતિમાઓ લીમડાનાં લાકડાંમાંથી તૈયાર કરવામાં આવે છે, કારણ કે ભગવાન જગન્નાથનો વર્ણ શ્યામ રંગનો છે, તેથી લાકડાંનો પ્રયોગ પણ તેમના અનુકૂળ હોવો જોઈએ. જ્યારે બલભદ્ર અને સુભદ્રાનો રંગ ગોરો છે, તેથી તેમની પ્રતિમાઓનો રંગ તેમના જેવો જ હોવો જરૂરી છે. ત્યારે જ એ લાકડાંની પસંદગી મૂર્તિઓના નિર્માણ માટે કરવામાં આવે છે.

મૂર્તિઓ બનાવવા માટે જે વૃક્ષની પસંદગી કરવામાં આવે છે અને તેના પણ કેટલાક નિયમ છે. તેમાંથી એકનું પણ પાલન ન થાય ત્યાં સુધી ભગવાનની મૂર્તિઓનું નિર્માણ થઈ શકતું નથી. ભગવાનની મૂર્તિમાં ઉપયોગમાં લેવાના વૃક્ષમાં કેટલીક ખૂબીઓ હોવી જરૂરી છે. જેમ કે, તે વૃક્ષમાંથી ચાર મુખ્ય શાખાઓ નીકળતી હોવી જોઈએ. ભગવાન શેષશય્યા પર શયન કરે છે, તેથી તે વૃક્ષમાં સાપનો વાસ પણ હોવો જોઈએ. વૃક્ષની પાસે જ કોઈ તળાવ, સ્મશાન અથવા કીડીઓનાં દર હોવાં જરૂરી છે. આ સિવાય વૃક્ષ ત્રણ રસ્તા પાસે હોવું જોઈએ. જો આમ ન હોય તો તે ત્રણે બાજુથી પહાડોથી ઘેરાયેલું હોવું જરૂરી છે. તે વૃક્ષની પાસે આસોપાલવ કે બીલી જેવાં વૃક્ષ હોવાં જોઈએ. જો આ બધી જ વસ્તુ હોય તો જ તે વૃક્ષનો ઉપયોગ કરીને ભગવાનની પ્રતિમાઓ બનાવવામાં આવે છે. આ પ્રતિમાઓ ચોક્કસ સમયગાળા પછી બદલવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર જે વર્ષે અધિકમાસ તરીકે બે અષાઢ આવે તે જ વર્ષે પ્રતિમાઓ બદલવામાં આવે છે. તિથિઓ અનુસાર આવો સંયોગ ૧૪ વર્ષ અથવા ૧૯ વર્ષ પછી પણ આવી શકે છે. ચાલુ વર્ષે બે અષાઢ માસ હોવાને કારણે આ પ્રતિમાઓને બદલવામાં આવી છે. આ પહેલાં ૧૯૯૬માં આ પ્રતિમાઓ બદલવામાં આવી હતી. નવી મૂર્તિઓ બનાવવામાં આવે ત્યારે ઉત્સવ મનાવાય છે

વેબદુનિયા પર વાંચો