આપણાં ગુજરાતી પરીવારમાં દરેક છોકરીઓને બાળપણથી જ વ્રત અને પૂજાના સંસ્કાર આપવામાં આવે છે. છોકરીઓને ઉપવાસ શબ્દનો અર્થની પણ સમજણ નથી હોતી ત્યારથી તેમને ઉપવાસ કરાવવામાં આવે છે. આ બધા વ્રતમાં એક ખાસ વ્રતનું મહત્વનું સ્થાન છે - 'ગોરમાનું વ્રત' આ વ્રત 10-12 વર્ષની બાળાઓ દ્વારા કરવામાં આવે છે.
આ વ્રત પાંચ દિવસનું હોય છે. આ વ્રતની શરુઆત અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી થાય છે, અને પૂર્ણિમાના દિવસે આ વ્રતનું જાગરણ કર્યા પછી બીજાં દિવસે આ વ્રતના પાંરણા કરવામાં આવે આ વ્રત માટે એક છાબડીમાં માટી, છાણ અને પાંચ અનાજના બીજ નાખી એક જ્વારા તૈયાર કરવામાં આવે છે જેને 'ગોરમા' કહેવાય છે. આ છાબડી બે દિવસ પહેલાંજ તૈયાર કરવામાં આવે છે જેથી કરીને વ્રતના પહેલાં દિવસ સુધી થોડી થોડી કૂંપણો ફૂટવા માંડે છે.
વ્રતના પ્રથમ દિવસે જવારા ઉગી નીકળે છે. તે જવારીની પૂજા કરવા માટે સવારે બાળાઓ વહેલી ઉઠી નાહી-ધોઈને આ 'ગોરમા'ને પાણી ચઢાવી તેની હળદર,કંકુ,ચોખા, લાલ દોરો અને ફળ, ફૂલ વડે પૂજા કરે છે. આ વ્રતની ખાસિયત એ છે કે જે બાળાઓ આ વ્રત કરે છે તે પાંચ દિવસ સુધી મીઠું બિલકુલ ખાતી નથી. ફક્ત એક વખત મીઠા વગરની રોટલી કે પૂરી દૂધ કે દહીં સાથે આરોગે છે. બાકી દિવસભર સૂકોમેવો કે ફળ ખાઈને કાઢે છે.
આ વ્રતમાં બાળાઓ પાંચ દિવસ સુધી વ્રત રાખે અને વ્રત દરમિયાન કશું બીજુ ખાવાનું ન માગે તે માટે તેમની બધી ઈચ્છાઓ પૂરી કરવામાં આવે છે. તેમનો સમય હસી-ખુશીથી પસાર થાય તે માટે તેમને વ્રત દરમિયાન રોજ ફરવા માટે બગીચામાં કે ફિલ્મ જોવા માટે લઈ જવામાં આવે છે.
વ્રતના પાંચમાં અને છેલ્લા દિવસે જાગરણ કરવામાં આવે છે આ દિવસે બાળાઓ પોતાનાં 'ગોરમાં' ને માથા પર મૂકી ગીતો ગાય છે....
'ગોરમાં નો વર કેસરિયોને નદીએ ન્હાવા જાય મારી ગોરમાં
હાથમાં નાની લાકડી લઈને ટેકતો ટેકતો જાય રે ગોરમાં"
પહેલાંના લોકો આ વ્રત માટે એવું કહેતા હતાં કે આ વ્રત કરવાથી સારો વર મળે છે, કારણકે પહેલાં છોકરીઓના લગ્ન વહેલાં કરવામાં આવતાં હતા. પરંતુ આજકાલ આ વ્રત મોટાભાગે એક શોખ માટે કે એકબીજાના દેખાદેખીથી, કે પોતાના સંતાનોને વધુ લાડ લડાવવાં માટે કરાવવામાં આવે છે.
આમ છતાં પાંચ દિવસ મીઠા વગર રહેવું એ કોઈ સહેલી વાત નથી. તમે પાંચ દિવસ સામાન્ય રીતે તમારી મનગમતી મીઠાઈ કે સુકોમેવો કે ફળ જે પણ હોય તે પેટ ભરીને ખાઈ શકો છો, પણ જો તમે બે દિવસ પણ મીઠા વગર એક ટાઈમ ફક્ત રોટલી કે પૂરી ખાઈને કાઢો અને તમારી સામે તમારી મનગમતી મીઠાઈઓ કે ફળ મૂકી દેવામાં આવે તો તમે કેટલાં ખાઈ શકો ? માત્ર એક કે બે. આવા ઉપવાસમાં મીઠાઈ ખાવાની તો શુ જોવાની પણ ઈચ્છા થતી નથી.
આ વ્રત પાંચ કે સાત વર્ષ કર્યા બાદ આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આ વ્રત ઉજવણીમાં કરનારી અન્ય પાંચ બાળાઓને બોલાવીને તેમની પૂજા કરી તેમને ભાવથી જમાડવામાં આવે છે.