શ્રાવણ મહિનામાં સોમનાથનું અનેરું મહાત્મ્ય હોય છે. રોજેરોજ વિશેષ આરતી અને શૃંગાર થાય છે. સોમનાથ મંદિરની પૌરાણિક કથા ચંદ્રદેવ સાથે જોડાયેલી છે.ચંદ્રના લગ્ન દક્ષની સત્તાવીસ પુત્રી સાથે થયા હતા. જોકે તેણે રોહિણીની તરફેણ કરી અને અન્ય રાણીઓની અવગણના કરી. વ્યથિત દક્ષે ચંદ્રને શાપ આપ્યો અને ચંદ્રએ પ્રકાશની શક્તિ ગુમાવી દીધી. પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્ર પ્રભાસ તીર્થ પર આવ્યા અને સમુદ્ર કિનારે ભગવાન શિવની પૂજા કરી. ચંદ્રદેવની તપસ્યા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા અને અંધકારના શાપમાંથી મુક્તિ અપાવી. ચંદ્રની વિનંતીથી ભગવાન શિવ અહીં જ સમુદ્ર કિનારે જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજ્યા. ચંદ્રદેવનું બીજું નામ સોમ છે એટલે મહાદેવ અહીં સોમનાથ સ્વરૂપે બિરાજ્યા.
પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ચંદ્રએ સુવર્ણ મંદિર બનાવ્યું હતું, એ પછી રાવણ દ્વારા ચાંદીનું મંદિર બનાવવામાં આવ્યું હતું, ભગવાન શ્રી કૃષ્ણએ સોમનાથ મંદિર ચંદન વડે બનાવ્યું હોવાનું માનવામાં આવે છે.પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે સૌપ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ-પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે કરવામાં આવી હતી.
શ્રીમદ જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાન, વારાણસીના અધ્યક્ષ સ્વામી શ્રી ગજાનંદ સરસ્વતીજીએ સૂચવ્યું હતું કે સ્કંદ પુરાણના પ્રભાસખંડની પરંપરાઓ પરથી ઊતરી આવેલા આ પ્રથમ મંદિરનું નિર્માણ 7,99,25,105 વર્ષ પહેલાં થયું હતું. આમ, આ મંદિર અનાદિ કાળથી લાખો હિંદુઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.ઈતિહાસમાં આલેખાયું છે કે અગિયારમીથી અઢારમી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણકારો દ્વારા અનેક વખત સોમનાથ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું અને મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું. 13 નવેમ્બર 1947ના રોજ ખંડિત સોમનાથ મંદિરની મુલાકાત લેનાર સરદાર પટેલના સંકલ્પ સાથે આધુનિક મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 11 મે 1951ના રોજ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી હતી. એ મંદિર આજે પણ અડીખમ ઊભું છે.