Dashama Vrat Katha Gujarati - દશામાં વ્રત કથા/ દશામાની વાર્તા

ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (10:22 IST)
ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે. મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનુ પૂજન કરવુ જોઈએ. અષાઢ મહિનાના અમાસ ના રોજ એક એવુ વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે. આ વ્રતને દશામાતા વ્રત કહે છે. 
 
દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દસમે દિવસે તે પૂર્ણ છે. માટીમાંથી દશામાનું પાણી જે સાંઢણી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામા પધાર્યાં છે તેવો ભાવ કરી પ્રાતઃકાળે સ્નાન કરી, ધૂપ-દીવો કરી, શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે. દસમે દિવસે એ સાંઢણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ર્ચિત સ્થળે મંદિર પધારવાનાં હોય છે. પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે. યથાશક્તિ સોનું, ચાંદી તથા પંચધાતુની સાંઢણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી, વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી, ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે સદ્કર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકપણે સમૃદ્ધિ મળે છે. જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે. સોહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનવાંચ્છિક ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે.
 
દશામાની વ્રતકથા
 
એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયુ તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, "હે દેવી ! આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાનાં છે ? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી સિસાય જાય છે. આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદીકિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે. વ્રતી બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દશ તાર લઈ, દશ ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંલ્લા કરવા. ત્યાર બાદ સ્ત્રીએ આ વ્રત કરવું. દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે. પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા. તેમણે આ વ્રતની ના પાડી, પુનઃ દશામાનું અપમાન કર્યું, તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો.
 
એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, ‘પડું છું...’ બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો. જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો. ઘોર જંગલમાં રાજા-રાણી પરિવાર સાથે દુઃખી થયાં. રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઊતર્યા. પાછળ બે કુંવરો પણ ગયા. દશામાએ અદૃશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોપ છે. એ રાણીને આશ્ર્વાસન આપતાં સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા. હવે એ જ આપશે. આગળ જતાં રાજા-રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યાં. એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ-ફૂલ નાશ પામ્યાં. માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યાં. રાજા તેમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો. આ ગાગર પિત્તળની થઈ ગઈ. આ બધુ જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો. 
 
 આગળ જતાં એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માગ્યું. ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. 
 
એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રિસઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. કુંવરના માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને   પકડી લીધો.. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંવ રની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીનો હુક્મ આપી બંદીખાનામાં નાખી દીધો.. 
રાજા વગર વાંકે કેદ થયો . તેથી રાણી અનંગસેના પર દુખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી. લાકડાનો ભારો લઈ આવતી . એ વેચીને જે પૈસા  મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ  મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટ્લે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના દશે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા. અને માની ભક્તિ કરી..જે રાજાએ અભયસેનને કેદ ક ર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો. તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. રાજા રાણી  જંગલમાંથી ચાલતાં ચાલતાં આગળ નીકળ્યા. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામા વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભાં છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા-રાણી તરત માતાજીને ઓળખી ગયાં. માના પગમાં પડી ગયાં. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતાં કહ્યું,
 
હે રાજા ! હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા. તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો. તમે જે સુખ માટે ઇચ્છા કરતાં હતાં તે સઘળાં સુખ મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે.
 
રાજા-રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યાં. પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યાં. રાજા-રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું, હે દશામા ! જેવાં અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર