થોડાક સમય પછી ગુરૂની કૃપા વડે બલિએ સ્વર્ગ પર અધિકાર જમાવી દિધો. તેના ફળસ્વરૂપ દેવરાજ ઈંદ્ર ભિખારી થઈ ગયાં અને આમ તેમ ભટકવા લાગ્યા. છેલ્લે ઈંદ્ર પોતાની માતા અદિતીની પાસે ગયાં. ઈંદ્રની આવી દશા જોઈને માનું હૃદય રડવા લાગ્યું. દુ:ખી થયેલી અદિતીએ પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું. વ્રતના છેલ્લા દિવસે ભગવાને પ્રગટ થઈને અદિતીને કહ્યું કે હે દેવી! ચિંતા ન કરશો. હુ તમારા પુત્રના રૂપે જન્મ લઈશ અને ઈંદ્રનો નાનો ભાઈ બનીને તેનું કલ્યાણ કરીશ. આટલું કહીને તેઓ અંતર્ધ્યાન થઈ ગયાં.
તે વખતે ભગવાનને જાણ થઈ કે રાજા બલિ ભૃગુકચ્છ નામની જગ્યાએ અશ્વમેઘ યજ્ઞ કરાવી રહ્યાં છે. તેમણે ત્યાં જવા માટે યાત્રા કરી. ભગવાન વામને જનોઈ ધારણ કરેલી હતી. બગલમાં મૃગચર્મ હતું. માથા પર જટા હતી. આ રીતે બોના બ્રાહ્મણના વેશમાં પોતાની માયાથી બ્રહ્મચારી બનેલ ભગવાને બલિના યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. તેમને જોઈને બલિનું હૃદય ગદગદિત થઈ ગયું. તેમણે ભગવાનને એક ઉત્તમ આસન આપ્યું અને કેટલાયે પ્રકારે તેઓની પૂજા કરી.
ત્યાર બાદ બલિએ પ્રભુને કંઈક માંગવાનો અનુરોધ કર્યો. ભગવાન વામને ત્રણ પગ જમીન માંગી. શુક્રાચાર્ય ભગવાનની લીલા સમજી રહ્યાં હતાં. તેમણે બલિને દાન આપતાં રોક્યો. બલિએ તેમની વાત માની નહિ. તેણે સંકલ્પ લેવા માટે જળનું પાત્ર ઉઠાવ્યું. શુક્રાચાર્ય પોતાના શિષ્યનું ભલુ કરવા માટે પાત્રની અંદર પ્રવેશ કરી ગયાં. પાણી આવવાનો રસ્તો રોકાઈ ગયો. ભગવાને એક ડાભ ઉઠાવીને પાત્રના છેદમાં નાંખ્યો તેનાથી શુક્રાચાર્યની આંખો ફુટી ગઈ.