પહેલાના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરિક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો. તેની સેવામાં ગાંધર્વો, યક્ષો, અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા. તે નગરીમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિત નામની ગાંધર્વી રહેતાં હતાં. તે બંને પતિ પત્ની હતાં. તે બંને એક બીજામાં ખૂબ આસક્ત રહેતાં હતાં. બંને એકબીજાંને ખૂબ પ્રેમ કરતાં હતાં.એક વખત પુંડરિકની સભામાં લલિત ગીત ગાતો હતો. અચાનક તેને લલિતા યાદ આવી. તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો. તેના મનની સ્થતિ કર્કોટક નામનો નાગ જાણી ગયો. તેણે પુંડરિક રાજાને લલિતના મનની વાત કહી દીધી. આ સાંભળી લલિત ઉપર પુંડરિક રાજા ગુસ્સે થયાં. તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતાં કહ્યું કે, હે પાપાત્મા, હે કામી, તું તત્કાળ રાક્ષસ બની જા. શ્રાપ સાંભળતાં જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો. તે હિમાલય જેવો વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ, તેનાં લાલચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જતા. આ જોઈ લલિતાને ખૂબ દુ:ખ થયું. તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી.લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરતો હતો. આમને આમ બંને ફરતાં ફરતાં વિદ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયાં. ત્યાં તેમણે ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો. ત્યાં જઈ તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા. પોતાનું વિતક કહ્યું. આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ અગિયારશ કે જે કામદા એકાદશીથી ઓળખાય છે. તે કરવા જણાવ્યું.તે બંનેએ ચૈત્ર સુદ અગિયારશ આવતાં ખૂબ ભાવથી તે એકાદશી કરી. તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુનાં ચરણોમાં અર્પણ કયુ. જેનાં પુણ્યપ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું. લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી. આ પછી તેઓ પાછાં ભોગાવતી નામની નગરીમાં આવ્યાં. તેમને જોઈ પુંડરિક ખુશ થઈ ગયો. તેણે સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો. આજે શું કરવું ખૂબ સંયમિત જીવન જીવવું. મન તથા ઇન્િદ્રય પર કાબૂ રાખવો. ઉપવાસ કરવો. ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવાં.