જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આ વર્ષે આ વ્રત તા.૨૫-૭-ર૦૧૮ થી તા.ર૯-૦૭-૨૦૧૮ સુધી અષાઢ સુદ થી અષાઢ વદ બીજ સુધી છે. આ વ્રત સળંગ ર૦ વર્ષ કરવાનું હોય છે.સૌભાગ્યવતી બહેનો તેરશને દિવસે વહેલાં ઊઠી, નાહી-ધોઈ શિલાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે.
પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને, બીજાં પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. તેવા શાસ્ત્રોનો આદેશ છે.
ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે.જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ જે જે વ્રત કર્યાં તે તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરતી જોવા મળે છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત – ગોરિયો કહેવાય છે, જયારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે.
આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત ૨૦ વર્ષ કરવાનું હોય છે. વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. શકય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા. સાથે સાથે સૌભાગ્યની અંખિડતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા. જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરે છે.