ભારતના એ બે ખેલાડી જેણે ન્યૂઝીલૅન્ડ પાસેથી 2019ના વર્લ્ડકપની હારનો બદલો લીધો

રવિવાર, 22 ઑક્ટોબર 2023 (22:37 IST)
આઇસીસી વિશ્વકપમાં ભારતે ન્યૂઝીલૅન્ડ સામેની આજની મૅચ 4 વિકેટોથી જીતી લીધી છે. વિરાટ કોહલીની શાનદાર ઇનિંગે ભારતને ન્યૂઝીલૅન્ડ સામે વિજય અપાવવમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
 
એકવાર ફરી ‘વિનિંગ ચૅઝર’ તરીકે ઓળખાતા કોહલીએ ભારતને તેના લક્ષ્ય સુધી પહોંચાડ્યું. જોકે વિરાટ કોહલીના ચાહકો તેઓ સદી ચૂકી જતાં થોડા દુખી જરૂર થયા પણ ભારતને વિજય મળતા એ દુખ ખુશીમાં ફેરવાઈ ગયું.
 
વિરાટ કોલહીની જબરજસ્ત બેટિંગ અને મોહમ્મદ શમીની 5 વિકેટોની મદદથી ભારત આ રોમાંચક મૅચ જીતી ગયું હતું.
 
ભારતે 48 ઑવરોમાં 6 વિકેટના નુકસાને 274 રન કરીને જીત મેળવી. વળી, જો કોલહીની સદી થઈ ગઈ હોત તો તેમણે વન-ડેમાં કુલ 49 સદી કરવાના સચીન તેડુંલકરના રૅકૉર્ડની બરાબરી કરી લીધી હોત. ઉપરાંત આ મૅચમાં 5 વિકેટો લેનારા મોહમ્મદ શામીની પણ નોંધપાત્ર ભૂમિકા રહી અને તેમની ઘણી પ્રશંશા થઈ છે.
 
વિરાટ કોહલીએ 95 રન કર્યા જ્યારે રવીન્દ્ર જાડેજા 39 રન પર નોટઆઉટ રહ્યા. કોહલીએ 104 બૉલમાં 2 સિક્સર અને 8 ચોગ્ગા ફટકાર્યાં હતા.
 
ભારતની બેટિંગની વાત કરીએ તો રોહિત શર્મા 46 રન બનાવી ક્લિન બૉલ્ડ થયા હતા, જ્યારે શુભમન ગિલ 26 રન જ બનાવી શક્યા હતા. ત્યાર બાદ વિરાટ કોહલીએ આવીને બાજી સંભાળી હતી. તેમણે શ્રેયસ ઐયર, કે. એલ રાહુલ સાથે ઇનિંગ સંભાળી અને છેલ્લી ઓવરો સુધી ટકી રહ્યા હતા.
 
આ પૂર્વે ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ લીધી હતી. ન્યૂઝીલૅન્ડ 50 ઑવર રમ્યું અને એણે 273 રન કર્યા હતા.
 
ભારતે શરૂઆતી વિકેટો ઝડપથી લીધી હતું પરંતુ રચીન રવીન્દ્ર અને ડેરિલ મિચેલે લાંબી પાર્ટનરશિપ કરી ન્યૂઝીલૅન્ડને 273 રનનો સ્કોર કરવામાં મદદ કરી.
 
સૂર્યકુમાર યાદવનો રનઆઉટ અને 36મી ઑવરમાં રવીન્દ્ર જાડેજા સામે ન્યૂઝીલૅન્ડનો એલબીડબ્લ્યૂનો રિવ્યૂએ સૌના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.
 
ભારતની આશા કોહલી અને જાડેજા પર ટકેલી હતી. બંનેએ ભારતને જરૂરી સ્કોર સુધી પહોંચાડ્યું.
 
શમીની 5 વિકેટ
 
હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતાં તેઓ આ મૅચમાં નથી રમી નહોતા શક્યા અને શાર્દુલ ઠાકુરને પણ સામેલ નહોતા કરાયા. તેમની જગ્યાએ મોહમ્મદ શમી અને સર્યકુમાર યાદવને સામેલ કરાયા હતા.
 
આ વિશ્વકપમાં મોહમ્મદ શમીને પહેલીવાર રમવાની તક મળી અને તેમણે 5 વિકેટ લઈને તેમની પસંદગી સાચી ઠેરવી દીધી હતી.
 
તેમણે એક મહિના પહેલાં ઑસ્ટ્રેલિયા સામે પણ 5 વિકેટ લીધી હતી. ત્રીજી વખત વનડે મૅચમાં તેમણે 5 વિકેટો લીધી છે. પોતાની 95મી વનડે રીમ ચૂકેલા શમી 176 વિકેટો લઈ ચૂક્યા છે.
 
શમી ઉપરાંત કુલદીપ યાદવને મૅચમાં 2 વિકેટ મળી, જ્યારે બુમરાહ અને સિરાઝને એક એક વિકેટો મળી.
 
જોકે છેલ્લે ડેથ ઓવર્સમાં શમીએ બે બૉલમાં બે વિકેટો લીધી અને ન્યૂઝીલૅન્ડની ટીમને અંકુશમાં લીધી હતી. છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીએ સારી બૉલિંગ કરીને ન્યૂઝીલૅન્ડને વધુ મોટો સ્કૉર કરવાથી રોકી હતી.
 
ન્યૂઝીલૅન્ડની ઇનિંગ
 
શરૂઆતમાં ન્યૂઝીલૅન્ડની ટીમે ધીમી શરૂઆત કરી હતી. શરૂઆતી 6 વિકેટમાં ન્યૂઝીલૅન્ડે માત્ર 13 રન જ કર્યાં હતા અને 8મી ઑવરમાં શમીએ યંગને ક્લિન બૉલ્ડ કરી દીધા હતા. 10 ઓવરો સુધી ન્યૂઝીલૅન્ડનો સ્કોર બે વિકેટે 34 રન જ હતો.
 
જોકે 11મી ઓવરમાં શમીએ રચીન રવીન્દ્રનો કૅચ આવ્યો હતો, જેને જાડેજાએ પ્રયાસ કર્યોં પણ છૂટી ગયો હતો. પરંતુ આ જીવતદાનનો રચીને ફાયદો ઉઠાવ્યો અને પછી મિચેલ સાથે લાંબી ભાગીદારી કરી. મિચેલે સદી કરી અને રચીને અર્ધ સદી.
 
બંનેએ ત્રીજી વિકેટ માટે કુલ 159 રન કર્યા હતા અને ન્યૂઝીલૅન્ડને 50 ઓવરોમાં 273 રનનો સ્કોર પ્રાપ્ત કરવામાં મદદ કરી.
 
2019ના વર્લ્ડકપમાં ભારતનો પરાજય
2019ના વર્લ્ડકપની એ સેમિફાઇનલ કોણ ભૂલી શકે. ઑલ્ડ ટ્રેફોર્ડમાં એ મૅચ રમાઈ રહી હતી. પહેલાંથી જ વર્લ્ડકપના દાવેદાર ગણાઈ રહેલા ભારતને ન્યૂઝીલૅન્ડે હરાવીને સૌ કોઇને ચોંકાવી દીધા હતા.
 
240 રનના લક્ષ્યનો પીછો કરતાં ભારતે માત્ર 5 રનમાં 3 વિકેટો ગુમાવી દીધી હતી અને 24 રન સુધી પહોંચતાં તો ભારત તેની 4 વિકેટ ગુમાવી ચૂક્યું હતું.
 
પીચ પણ બેટિંગ માટે અઘરી હતી અને ન્યૂઝીલૅન્ડે જાણે કે ભારત પર પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હતું. રવીન્દ્ર જાડેજા અને ધોનીની જોડી પીચ પર ટકી રહી હતી અને ભારતીય પ્રેક્ષકોને ફરી જીતની આશા અપાવી હતી.
 
છેલ્લા 11 બૉલમાં ભારતને જીત માટે 25 રનની જરૂર હતી અને ધોની પર સૌ કોઈની નજર હતી. પોતાની સ્ટ્રાઇક જ રહે એ પ્રયત્નોમાં ધોનીએ બીજો રન લેવાનો પ્રયત્ન કર્યો અને માર્ટિન ગુપ્ટિલે ફેંકેલા ડાયરેક્ટ થ્રૉને કારણે રન આઉટ થઈ ગયા.
 
આ ઇનિંગ્ઝમાં તેમણે 72 બૉલમાં 50 રન બનાવ્યા હતા. વિશ્વ ક્રિકેટમાં શ્રેષ્ઠ ફિનિશર ગણાતા ધોની ભારતને એ મૅચ જીતાડી શક્યા નહીં અને કરોડો ભારતીયોનાં દિલ એ રનઆઉટને કારણે તૂટી ગયાં હતાં. ભારત એ મૅચ 18 રને હારી ગયું હતું
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર