બજેટમાં જોગવાઈ, ગુજરાતમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વર્લ્ડક્લાસ ફિનટેક હબ બનાવાશે

સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (14:10 IST)
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબને વિકસાવાશે અને તેના થકી યુવાઓ માટે આશરે 1.5 લાખ નવી નોકરીની તકો સર્જાશે, એમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2021ની ઘોષણામાં જણાવ્યું છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ) એ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) છે. ગિફ્ટની સંરચના પાછળનો મુખ્ય હેતુ IFSC, મલ્ટિ-સર્વિસીઝ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) તથા એક્સક્લુઝિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદૃશ્યની રચનાનું છે. સીતારમણે પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, યુવા પેઢી માટે રોજગારની વધુને વધુ તકોનું સર્જન કરવા સરકાર કટિબદ્ધ છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આ માટે વર્લ્ડક્લાસ ફિનટેક હબની રચના કરાશે. આ ફિનટેક હબ દ્વારા વૈશ્વિક તકોને પિછાણીને તેના આધારે સ્થાનિક કામગીરી દ્વારા સ્થાનિક સ્તરે રોજગારની નવી તકોનું સર્જન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવામાં આવશે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળની ઉણપને જોતાં નાણામંત્રીએ ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશનની (DFI) સ્થાપનાની પણ ઘોષણા કરી છે, જેની પાસે રૂ. 27,000 કરોડની મૂડીનું વૈધાનિક સમર્થન રહેશે. આ DFIનું વ્યાવસાયિક રીતે સંચાલન કરાશે. લોકસભામાં પોતાનું લાગલગાટ ત્રીજું બજેટ રજૂ કરતા સીતારમણે કહ્યું હતું કે, કોરોના વાઈરસ મહામારીને લીધે આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે, જે સ્વતંત્ર ભારતના ઇતિહાસની પહેલવહેલી ઘટના છે. બજેટ દસ્તાવેજો સુધી સંપૂર્ણ પહોંચ પૂરી પાડવા નાણામંત્રીએ એક મોબાઈલ એપને પણ સત્તાવાર રીતે લોંચ કરી હતી. આ એપને કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ www.indiabudget.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ​​​​​​​ઉલ્લેખનીય છે કે, ફાયનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) સેવા ક્ષેત્રમાં નવા રોકાણના પ્રવાહની અપેક્ષાએ ગુજરાત સરકારે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ફિનટેક પાર્ક ગિફ્ટ સિટી ખાતે નવા ક્ષેત્રોમાં પણ પ્રદાન કરશે. ફિનટેક સેક્ટરે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. સિંગાપોર આ નવા માર્કેટ માટે હબ તરીકે ઉપસી આવ્યું છે અને આ પ્રકારના જ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર