સાળંગપુરનો ઈતિહાસ
સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા અને ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર પછી તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા ન હોતા. શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર-પ્રસારાર્થે વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા. આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે, દરબાર! આપશ્રી ઉદાસ દેખાઓ છો. તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતાં કહ્યું કે, સ્વામી, અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે. સ્વામી! આપ કંઇક કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.