ગુજરાતમાં કેગના રીપોર્ટનો ધડાકો, સ્પોર્ટસ ઓથોરટી અને સ્પોર્ટસ યુનિ.ની રચના પરંતુ સુવિધા-પ્લેસમેન્ટ નથી મળતા

શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (12:13 IST)
રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભની મોટી મોટી વાતો કરીને સ્પોર્ટસને પ્રોત્સાહન આપવાના દાવા કરે છે ત્યારે કેગના રીપોર્ટમાં સરકારના આ દાવા પોકળ સાબીત થયા છે અને કેગના રીપોર્ટ મુજબ સ્પોર્ટસ ઓથોરીટી અને સ્પોર્ટસ યુનિ.ની રચના થવા છતાં રમતવિરો અને વિદ્યાર્થીઓને પુરતી સુવિધા તેમજ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ મળતા નથી.
કેગના રીપોર્ટ મુજબ સરકારે રમત ગમતની પ્રવૃતિનઓને વેગ આપવા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની રચના કરી છે અને માર્ચ ૨૦૧૬માં સ્પોર્ટસ પોલીસી પણ બનાવી છે. આ પોલીસીને એક વર્ષ થવા છતાં ન તો કમિશનર કે ન તો ઓથોરીટીએ પોીલીસીમાં દર્શાવ્યા મુજબનું કોઈ આયોજન કર્યુ છે.
ગુજરાતના ૩૩  જિલ્લા પૈકી માત્ર ૧૬ જિલ્લામાં ૨૦ રમત ગમત સંકુલો છે. આ રમત ગતમ સંકુલોમાં રમત ગમતની મુખ્ય સાખાઓ માટેની  આંતરમાળખાકીય સુવિધાઓની ઉણપ જોવા મળી છે. જે ખેલાડીઓ માટેની અપુરતી કોચિંગની સુવિધાઓ પણ દર્શાવે છે. ૧૦  સ્પોર્ટસ હોસ્ટેલ પૈકી ૨૦૧૨થી૨૦૧૭ દરમિયાન ચાર હોસ્ટેલનો કોઈ ઉપયોગ જ થયો નથી. જે જિલ્લામાં તપાસ કરવામા આવી હતી તેમાં જોવા મળ્યુ કે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને સીનિયર કોચીસ દ્વારા વધુ તાલીમ પુરી પાડવાનું સુનિશ્ચિત ન કરાતા વિજેતા ખેલાડીઓને ઉચ્ચ સ્તરે ભાગ લેવા તૈયાર કરવાનો હેતુ સિદ્ધ થયો નથી. વધુમાં કોચની પોસ્ટમાં પણ ખાલી જગ્યાઓ જોવા મળી છે. 
આ ઉપરાંત સરકારે ૨૦૧૧માં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ની પણ રચના કરી છે. આ યુનિ.દ્વારા આશાસ્પદ ખેલાડીઓને સ્પોર્ટસ એજ્યુકેશન પસંદ કરવા માટે આકર્ષવા પુરતા પ્રયત્નો પણ કરાતા નથી.જ્યારે સ્પોર્ટસ યુનિ.કેમ્પસ ઈન્ટરવ્યુમાં વિદ્યાર્થીઓને નોકરી આપવામા પણ નિષ્ફળ રહી છે. ૨૦૧૩-૧૭ દરમિયાન નોંધાયેલા ૮૧૯ વિદ્યાર્થીઓ પૈકી ફક્ત ૪૧ વિદ્યાર્થીઓને જ યુનિ.દ્વારા નોકરી પ્રાપ્ત થઈ શકી છે.
આ ઉપરાંત વાલીઓ દ્વારા એવી પણ ફરિયાદ છે કે સ્પોર્ટસ યુનિ.વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલ પણ પુરી પાડતી નથી. યુનિ.પાસે રહેવા માટેની હોસ્ટેલની સુવિધા જ નથી.ઉપરાંત યુનિ.નું પોતાનું કામયી બિલ્ડીંગ પણ ન હોવાની ફરિયાદ છે.એટલુ જ નહી ટેકવાન્ડો કોર્સમાં તો કોચ જ ન હોવાથી યુનિ.એ  વિદ્યાર્થીને ટેકવાન્ડોમાં પ્રવેશ લઈ લીધા બાદ કોર્સ બદલી નાખવા જણાવી દીધુ હતું તેવી પણ એક વાલીની ફરિયાદ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર