રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દોમડા ગામની માત્ર ત્રણ માસની ઉંમરની શિવાની સુનીલભાઇ સોલંકી નામની બાળકીને ગત તા.૯ સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસથી શરદી, ઉધરસ અને તાવના લક્ષણો અને છેલ્લા એક દિવસથી શ્વાસ લેવાની તકલીફ સાથે રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. એ જ દિવસે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં શિવાનીને કોરોના સંબંધી સારવાર શરૂ કરવામાં આવી હતી. શિવાનીને શ્વાસની ગંભીર સમસ્યા હોવાથી તાત્કાલિક હાઇ ફલો ઓક્સિજન મશીન પર રાખવામાં આવી હતી.
આઠ દિવસ સુધી સતત ઓક્સિજન અને અન્ય સઘન સારવારના પરિણામે શિવાનીને શ્વાસ લેવામાં થોડી રાહત થઇ. અને ૧૭ સપ્ટેમ્બરે તો શિવાની જાતે શ્વાસ લેતી થઇ જતાં સાદા ઓક્સિજન પર શિફટ કરવામાં આવી. કોઇ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિથી બચવા માટે શિવાનીને રૂમ એર પર રાખવામાં આવી. તેણીને સાવ સારૂં થઇ જતાં અને અન્ય કોઇ પણ ગંભીર બીમારી ન હોવાથી આજે ૨૨ સપ્ટેમ્બરે શિવાનીને પી.ડી.યુ. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
આ અંગેની વિગતો આપતાં પી.ડી.યુ.હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શિવાનીની સારવાર તજજ્ઞ પીડિયાટ્રીકસ ડોકટર્સ દ્વારા કરવામાં આવી, અને શિવાનીને ૧૪ દિવસની સઘન સારવારના પ્રતાપે કોરોના જેવી બીમારીમાંથી બચાવી શકાઇ, જેનો અમને ખૂબ જ આનંદ છે.