સોમવાર અને મંગળવારે મંત્રીઓને ગાંધીનગરમાં ઓફિસ હાજર રહેવાનો મુખ્યમંત્રીનો આદેશ

બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (17:32 IST)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદઅનુસાર, રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓએ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે.
 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંત્રીઓ તેમજ અધિકારીઓને આ બે દિવસો (સોમવાર અને મંગળવાર) દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના આપી છે.
 
મુખ્યમંત્રીના આ નિર્ણય અંગે વધુ વિગતો આપતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતેન્દ્રભાઇ વાઘાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ બેઠકો, મીટીંગ, અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે. 
 
નાગરિકોને પોતાના કામકાજ માટે મંત્રીઓ અને અધિકારીઓને મળવામાં સરળતા રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.  મંત્રીઓએ વધુમાં કહ્યું કે, શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરવાની પણ સૂચનાઓ આપી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર