ગીતા અધ્યાય - અતિશય ભોગથી વ્યકિત શિથિલ જ્યારે અતિશય ત્યાગથી તે નિરસ બને છેઃ પૂજ્ય ભુપેન્દ્રભાઈ પંડ્યાજી

મંગળવાર, 26 નવેમ્બર 2019 (11:10 IST)
ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ યોગાભ્યાસની સાધના કેવી રીતે કરવી તે જણાવ્યું છે. યોગમાર્ગમાં કોઇ પણ બાબતના અતિરેકનો નિષેધ કરાયો છે. વધુ પડતો આહાર કરનાર,  બિલકુલ ભોજન ના કરનાર, વધુ પડતી નિંદ્રા લેનાર તથા બિલકુલ નિંદ્રા ના લેનારા લોકોને યોગાભ્યાસ સિદ્ધ થતો નથી તેમ ગીતા પ્રવચન માળા દરમિયાન પૂજ્ય ભુપેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું. એક વર્ગ એવું માને છે કે શરીરને મહત્તમ કષ્ટ આપવાથી જ યોગ સાધના થાય છે પરંતુ વાસ્તવમાં તેવું છે નહીં. યોગ્ય આહારની સૂક્ષ્મ વ્યાખ્યા ભાષ્યકરોએ આપી છે. આજે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી એ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.
ભોજન પરિશ્રમથી મેળવેલ તથા નીતિથી કમાયેલું હોવું જોઈએ. મુક્તભોગ અને ભોગમુક્ત આ બે પ્રકારની વિચારધારાથી અલગ ગીતામાં ભગવાને યુક્તાહારની વાત કરી છે. યોગ માટે યોગ્ય માત્રા, યોગ્ય પ્રમાણ તથા યોગ્ય સમય  આવશ્યક છે. જોકે આયુર્વેદમાં કહ્યું છે કે ઉપવાસમાં જે ગુણો છે, તેવાં જ ગુણો અલ્પાહારમાં છે. ભુખ કરતાં ઓછું ખાવું સ્વાસ્થય માટે લાભદાયી છે. પેટને ચાર ભાગમાં વહેંચો. બે ભાગ ભોજનથી, એક ભાગ પાણીથી તથા એક ભાગ ખાલી રાખો. અતિશય ભોગ વ્યકિતને  શિથિલ બનાવે છે, અને  અતિશય ત્યાગ વ્યક્તિને નિરસ, રુક્ષ બનાવે છે, જ્યારે સંયમ મનુષ્યના જીવનને 'સરસ ' બનાવે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વિષયનો તિરસ્કાર નથી કરવાંનો પરંતુ તેની સાથે સાથે જ ઇન્દ્રિયોને ઉદ્દ્ંડ પણ નથી થવા દેવાની. આ સંતુલન જાળવનાર પરમાત્માના દર્શન કરી શકે છે.
 
જ્યારે વશમાં કરેલું ચિત્ત આત્મામાં લીન થઈ જાય તે વ્યક્તિને કોઇ વસ્તુની આસક્તિ નથી રહેતી, આવી વ્યકિતને યોગી કહે છે તેમ શહેરમાં આયોજીત ગીતા અધ્યાયમાળા- ગીતા જીવન સંહિતા દરમિયાન સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભુપેન્દ્રભાઈ પંડ્યાજીએ જણાવ્યું હતું.
 
યોગી બનવા સ્થિરતા-સહજતા જરૂરી. યોગ મનુષ્યના વિસ્મરણને દુર કરે છે. આ વિસ્મરણ દુર થતાં જ જગતની સઘળી રચનાઓના અસ્તિત્વનું તાત્પર્ય સમજાવા લાગે છે તેમ જણાવતાં ઈન્દ્રવદન એ મોદી ટ્રસ્ટના ઉપક્રમે યોજાઈ રહેલી ગીતા અધ્યાયમાળા-જીવનસંહિતાના આચમન દરમિયાન પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે વિષયોના મોહમાં મનુષ્ય સત્ય જોઇ શકતો નથી. પૂણ્યના જમાં-ઉધાર પાસાં અંગે તેમણે જણાવ્યું હતું કે કોઈ પૂણ્ય ત્યારે જ કમાય છે જ્યારે અન્ય ગુમાવે છે. સૃષ્ટિમાં પરમાત્માએ તમામ બાબતોનું સંતુલન રાખ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર