ખખડધજ બસોને થશે બાય-બાય, એસટી એક હજાર નવી બસો ખરીદશે

ગુરુવાર, 17 જુલાઈ 2014 (14:41 IST)
રાજ્યના અંતરિયાળ ગામોને પરિવહન સેવા મળે અને ગ્રામ્ય કનેક્ટિવિટી મજબૂત થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે નવી ૯૫૦ એસ.ટી. બસો સંચાલનમાં મૂકવામાં આવશે. રાજ્યના વિવિધ બસ સ્ટેશનોનું મુસાફરલક્ષી સુવિધા સાથે રૂ. ૯૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. વાહનવ્યવહાર પ્રધાને જણાવ્યું હતું કે, એસ.ટી.ના મુસાફર પાસેથી ૧૭.૫ ટકા પેસેન્જર ટેક્ષ લેવાતો હતો, મુસાફર જનતાને ભાડામાં રાહત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પેસેન્જર ટેક્ષ ઘટાડીને ૭.૫ ટકા કરવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં દૈનિક ૨૩ લાખ પેસેન્જરોને પરિવહનની સુવિધા પૂરી પાડતું ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દૈનિક ૨૮ લાખ કિલોમીટરનું એસ.ટી. બસ સંચાલન કરે છે. એસ.ટી. સેવાઓને નફાના સાધન તરીકે નહીં પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે લેવામાં આવી રહી છે અને આ માટે રાજ્ય સરકારે અંદાજપત્રમાં રૂા. ૧૪૦૦ કરોડની જોગવાઈ કરી છે. જૂની મશીનરી બદલીને ઓટોમાઈઝેશનનું આયોજન છે. ૫૦ બસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા આધારિત વીજીલન્સ સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરવાનું આયોજન છે એટલું જ નહીં અમદાવાદ, મહેસાણા અને સુરતના બસ સ્ટેશનોને પીપીપીના ધોરણે આધુનિક બસ સ્ટેશન બનાવવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો