સુવર્ણ મંદિરમાં કથિત 'બેઅદબી'ના પ્રયાસમાં શંકાસ્પદ વ્યક્તિની હત્યા

રવિવાર, 19 ડિસેમ્બર 2021 (10:27 IST)
શનિવારે અમૃતસરના સુવર્ણમંદિરના ગર્ભગૃહમાં કથિત રૂપે 'બેઅદબી' (ધાર્મિક લાગણીઓના આપમાન)ના પ્રયાસ બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ 'શકમંદ' વ્યક્તિની હત્યા કરી નાખી હતી. ઘટનાની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
 
કથિત 'અપવિત્ર' ઘટના સાંજની પ્રાર્થના- રેહરાસ પાઠ વખતે સાંજે 5.45 કલાકે બની હતી. માથાના વાળ કાપેલો એક વ્યક્તિએ અચાનક ગુરુગ્રંથ સાહિબના ‘પ્રકાશ’ સ્થાનની ફરતે બાંધેલી ધાતુની વાડ કુદીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો.
 
તેના પ્રયાસમાં સફળ થાય તે પહેલાં તેને ફરજ પરના એસજીપીસી કર્મચારીઓ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, તેણે કૃપાણ પકડીને રૂમાલ સાહેબ પર પગ મૂક્યો હતો.
 
અહેવાલમાં લખવામાં આવ્યું છે કે એસજીપીસીના કર્મચારીઓ તેને નજીકમાં સ્થિત એક રૂમમાં લઈ ગયા. જ્યાં એસજીપીસી ચીફ હરજિન્દર સિંહ ધામીના કહેવા પ્રમાણે, ગુસ્સે ભરાયેલા ભક્તોએ આ વ્યક્તિની હત્યા કરી હતી.
 
દરમિયાન, ઇશનિંદાનો કથિત પ્રયાસ લાઈવ ટીવી પર જોવા મળ્યો હતો કારણ કે એક ચૅનલ પર 'પાઠ' ટેલિકાસ્ટ થઈ રહ્યો હતો. આ ક્લિપ ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફેલાઈ ગઈ હતી અને નિહંગો સહિત વિવિધ શીખ સંગઠનોના સભ્યો સહિત લોકો સુવર્ણમંદિરમાં દોડી આવ્યા હતા.
 
પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ વાસ્તવિક કાવતરાખોરોને પકડીને સમગ્ર મામલાની સંપૂર્ણ પોલીસ તપાસના આદેશ આપ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર