વર્ષના પ્રથમ બે મહિનામાં જ ગુજરાતને કેન્દ્ર સરકારની ચાર ભેટ, આ ઇન્સ્ટીટયુટને મળ્યો નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો

ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (13:34 IST)
ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ –બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અને મંત્રી રવિશંકર પ્રસાદનો આભાર વ્યકત કર્યો હતો અને આ નિર્ણયને સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ ગણાવ્યો છે. વડાપ્રધાને ગુજરાતની જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને જાન્યુઆરી-૨૦૨૦માં ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇર્મ્પોટન્સનો દરજ્જો આપ્યો છે. 
 
ત્યારબાદ આ વર્ષના જ કેન્દ્રીય બજેટમાં ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશકિત યુનિવર્સિટીને નેશનલ ઇન્સ્ટીટયુટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે આ સતત ચોથી ભેટ તેમણે ગુજરાતને આપી છે. 
રાજ્યમાં સેટેલાઇટના માધ્યમથી એગ્રીકલ્ચર, સોઇલ એન્ડ લેન્ડ યુઝ, અર્બન લેન્ડ યુઝ, વોટર રિર્સોસીસ, વોટરશેડ, વન પર્યાવરણ, જિઓલોજી, મરિન એપ્લીકેશન્સ વગેરેમાં વિકાસ આયોજન અને વિકાસકાર્યોથી સોશિયો-ઇકોનોમીક ડેવલપમેન્ટ ક્ષેત્રોમાં ર૦૦૩થી આ ઇન્સ્ટીટયુટની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. ભારત સરકારે આ ઇન્સ્ટીટયુટને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવાને પરિણામે હવે આ પ્રકારની કામગીરી માટે રાષ્ટ્રિય ફલક મળતું થશે. 
 
આના પરિણામે કામગીરીની સુગમતા માટે પ્રવૃત્તિઓનો વ્યાપ અને અમલીકરણ વિસ્તારાશે. વિસ્તૃત કરાયેલી પ્રવૃત્તિઓના અમલીકરણમાં સુવિધા માટે જીઆઇએસ(GIS) પ્રોજેકટસનો કાર્યક્ષમ પ્રારંભ કરાશે તથા પ્રવૃત્તિઓના વ્યાપ અને અમલીકરણ માટે સંશોધન અને વિકાસ તથા ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે સહાય અપાશે અને અવકાશ (સ્પેસ)ને લગતા નિર્ણયોની સપોર્ટ સિસ્ટમ મારફતે વિકાસ, આયોજન અને સુશાસન માટે સુગમતા પણ ઉભી થશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના બહુધા વિભાગો અને કેન્દ્ર સરકારના ર૦ થી વધુ મંત્રાલયો તથા અનેક રાજ્યની સરકારો ગુડ ગર્વનન્સના હેતુસર  સ્પેસ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ ટેકનોલોજીના ઉપયોગ માટે બાયસેગની મદદ લે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર