અંબાજીમાં પ્રસાદનો મામલો વધુ વકરી રહ્યો છે. આ મામલે હવે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોએ અમિત ચાવડાની આગેવાનીમાં યાત્રાધામ વિકાસ બોર્ડમાં સચિવને રજૂઆત કરી છે. ચીક્કીની જગ્યાએ મોહનથાળનો પ્રસાદ આપવા સચિવને રજૂઆત કરવામાં આવી છે. આજે કોંગ્રેસના ધારાસભ્યો યાત્રાધામ વિકાસ બોર્ડમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ચીક્કીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મોહનથાળ એક વાનગી નહીં પણ ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલી બાબત ગણાવી હતી.
આદિવાસી બહેનોની રોજીરોટી છીનવાઇ ગઈ
આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર, પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રતિનિધિ મંડળ અંબાજી મંદિર પહોંચ્યું હતું.અંબાજી ખાતે મોહનથાળ પ્રસાદ ચાલુ કરવા સત્તાધારીઓને રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસ પ્રવક્તા હેમંગ રાવલે કહ્યું હતું કે, ચીક્કી માફિયાઓને પૈસા કમાવવા-ફાયદો કરાવવા મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે.નવા નિર્ણયથી આદિવાસી બહેનોની રોજીરોટી છીનવાઇ ગઈ છે.
જય અંબેની ધૂન બોલાવવામાં આવી
પ્રતિનિધિ મંડળ દ્વારા બનાસકાંઠા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા કરાયેલું મોહનથાળ પ્રસાદ બંધને લઈ વિરોધ દર્શાવી અને સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. તો સાથે સાથે ઉગ્ર વિરોધ દર્શાવતા ફરી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ થાય તેવી માંગ કરવામાં આવી છે.બીજી તરફ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા મંદિર પરિસરમાં બેરોજગાર મહિલાઓ સાથે જય અંબેની ધૂન બોલાવવામાં આવી રહી છે. 108 વાર ધૂન બોલાવી સાથે આવેદન પત્ર આપી રહ્યા છે.