પોતાની કારની નંબર પ્લેટ પર પોલીસનો સિમ્બોલ લગાવીને રૂપિયા પડાવી લેતો એક શખ્સ પોલીસના હથ્થે લાગ્યો છે. પોલીસે મોડાસર ગામેથી જીતેન્દ્રસિંહ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી છે. જેની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. મળતી માહિતી મુજબ, બાવળા પોલીસને છેલ્લા કેટલાક સમયથી કોઈ પોલીસવાળો લોકો પાસેથી ખુલ્લેઆમ રૂપિયા પડાવી રહ્યો હોવાની ફરિયાદ મળી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એક એસેન્ટ કારમાં પોલીસનો સિમ્બોલ લગાવીને રોબ જમાવતો શખ્સ પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે સાણંદના મોડાસર ગામેથી જીતેન્દ્રસિંહ સોલંકી નામના આ શખ્સની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યુ હતું કે, તેને નાનપણથી જ પોલીસમાં ભરતી થવાનુ સપનુ હતું. આ સપનાને તેણે પૂર્ણ કરવા માટે ગત વર્ષે પીએસઆઈની સ્પર્ધાત્મક પરીક્ષા પણ આપી હતી. પરંતુ તેમાં તે નાપાસ થયો હતો. ત્યારબાદ તેણે પોતાની ગાડીની નંબર પ્લેટ પર પોલીસ લખાવીને પોલીસ જેવો રુપ ધારણ કરી લોકો પાસેથી પૈસા પડાવવાનું શરુ કર્યુ હતું. શખ્સે પોલીસને જણાવ્યુ હતું કે, પીએસઆઈ બનવાનું તેનુ સપનુ હતું, જોકે તે પુરુ ન થતા તે નકલી પોલીસ બન્યો હતો.
આરોપી જીતેન્દ્રસિંહ છેલ્લા ૩ મહિનાથી હાઈવે પર નકલી પોલીસ બની ટ્રકચાલકો પાસેથી પૈસા પડાવતો હોવાનુ સામે આવ્યુ છે. તેની પાસે પોતાની એસેન્ટ કાર છે અને તેના પિતાના નામે ૨૦૦ વીઘા કરતા વધુ જમીન હોવા છતા પણ તે માત્ર પોતાના પોલીસ બનવાના કોડને પુરા કરવા માટે નકલી પોલીસ બનીને રોબ જમાવતો હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે આ જમીનદારના પુત્ર સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.