છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં સિનિયર સિટીઝનો પર હુમલો થવાની કુલ 435 ઘટનાનો બની

શનિવાર, 13 માર્ચ 2021 (10:15 IST)
રાજ્યમાં સરકાર સબ સલામતની ગુલબાંગો ફૂંકતી રહે છે. રાજ્ય સિનિયર સિટીઝનો અને મહિલાઓ માટે સુરક્ષિત હોવાનો સરકાર વારંવાર દાવો કરતી રહે છે. ત્યારે મહિલાઓ બળાત્કાર અને સિનિયર સિટીઝનો પર થયેલા હૂમલાઓના આંકડા જ રાજ્ય સરકારના દાવાની પોલ ખોલી રહ્યાં છે. હાલમાં રાજ્યમાં વિધાનસભાનું સત્ર શરુ થયું છે. આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર ગુનાખોરીના આંકડાઓ રજુ કરી રહી છે. ત્યારે બળાત્કારના છેલ્લા પાંચ વર્ષમાં થયેલા 6 હજારથી વધુ બનાવો અને છેલ્લા એક વર્ષમાં સિનિયર સિટીઝનો પર થયેલા 435 હૂમલાઓના આંકડાઓ માથુ શરમથી નીચે ઝુકી જાય તેવી સ્થિતિમાં મુકનારા છે.

હજી અમદાવાદના થલતેજ વિસ્તારમાં હેબતપુરમાં રહેતા વૃદ્ધ દંપત્તિની હત્યાની શાહી ભુસાઈ નથી. તે ઉપરાંત વેજલપુરમાં એક વૃદ્ધાની હત્યા કરી દેવાની ઘટના પણ ચર્ચામા છે. ત્યારે રાજ્ય સરકારે વિધાનસભામાં રજુ કરેલા આંકડાઓમાં મેટ્રો સિટી તરીકે જાણીતા અમદાવાદમાં જ સિનિયર સિટીઝનો પર છેલ્લા એક વર્ષમાં 41 હૂમલાની ઘટનાઓ બની હોવાનું જણાવ્યું છે. આ જ પ્રમાણે, અમદાવાદ ગ્રામ્યમાં ય સિનિયર સિટીજનો પર હુમલો થવાની 12 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ હતી.ગુજરાતમાં જામનગરમાં 12, સુરેન્દ્રનગરમાં 29 ,નર્મદામાં 20 ઘટનાઓ બની હતી જેમાં સિનિયર સિટીજનો પર હુમલા થયા હતાં. સિનિયર સિટીજનો પર હુમલો થવાની ઘટનામાં પોલીસે આખાય રાજ્યભરમાંથી કુલ મળીને 1335 ગુનેગારોને પકડી જેલ ભેગા કર્યા હતાં. જોકે, ગૃહ વિભાગે એ વાત કબૂલી છેકે, સિનિયર સિટીજન પર હુમલો કરનારાં 21 આરોપી હજુય પોલીસ પકડથી બહાર છે. પોલીસ આ આરોપીઓ ને પકડી શકી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર